સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટતી રાજસ્થાની ગેંગ ઝબ્બે
એલસીબીએ ધાડના ૪ અને ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો
અંકલેશ્વર, ટ્રેન મારફતે આવી પેસેન્જર રીક્ષામાં હાઈવે પર પહોંચી સ્ત્રી વેશ ધારણ કરી ટ્રક ડ્રાઈવરોને લૂંટતી રાજસ્થાની ગેંગને ભરૂચ પોલીસે ઝડપી લઈ ૪ ધાડ અને એક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
અંકલેશ્વર હાઈવે પર ૧પમીની રાત્રે એક ટ્રક ચાલકને માર મારી ૧૪ હજારની લૂંટ ચલાવાઈ હતી. ઘટનામાં મદદ માટે દોડી આવેલા બે બાઈક ચાલકોને પણ માર મરાયો હતો. પી.આઈ. એમ.પી.વાળાએ અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાનોલી નજીક હાઈવે ઉપર થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ કોસંબા જકાત નાકા પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાં રહેતા હોવાની હકીકત મળતા એલસીબી સહિતની ટીમ એકશનમાં આવી હતી.
ખુલ્લા પડાવમાંથી ચાર શકમંદ ઈસમોએ મોબાઈલો સાથે ઝડપી પાડી વધુ પુછપરછ શરૂ કરાઈ હતી. જેમાં ચારેય રાજસ્થાની ગેંગના હોવાની કબુલાત કરી હતી. ટોળકીએ પેસેન્જર રીક્ષામાં બેસી કોસંબાથી પાનોલી હાઈવે ઉપર લૂંટ કરી હોવાનું સ્વીકાર્યું હતું. ઉપરાંત ગેંગના પ સાગરીતોએ પાનોલી, અંકલેશ્વર, કોસંબામાં હાઈવે પર ૪ ધાડ તેમજ એક મોબાઈલ ચોરીને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો.
ગેંગના પપ્પુ કાલુ શેરૂ, સતુ રતન મસીરીયા, હીરૂ સન્નુ સેતાનીયા અને પ્રકાશ છોટુની રોકડ, ૮ મોબાઈલ મળી કુલ ૬પ૬૦૦ સાથે ધરપકડ કરાઈ છે જયારે રામલાલ શેતાનીયાને વોન્ટેડ જાહેર કરાયો છે. મૂળ રાજસ્થાનના જાતીની આ લુંટારું ટોળકી મુખ્યત્વે ખુલ્લામાં કે રેલ્વે સ્ટેશનની આસપાસ પડાવ નાખતી. લૂંટ કરવા ખાવા-પીવાની વસ્તુઓ લઈ જતી.
લોકલ ટ્રેન અથવા પેસેન્જર રીક્ષા મારફતે હાઈવે ઉપર અવાવરૂ જગ્યાએ રોકાતી, ટ્રક રોકવા માટે ટોર્ચ તથા સ્ત્રીનો વેશ ધારણ કરતી. ટ્રક ડ્રાઈવને ઉભો રખાવી નજીકના ઝાળી ઝાંખરામાં ખેંચી જઈ હાથ પગ બાંધી ઢોર માર મારી લૂંટી નાસી જતી હતી. આ ગેંગ ગુનો કરતી વખતે કોઈ ત્રાહિત વ્યક્તિ આવી પ્રતિકાર કરે તો, દુરથી ગીલોલ વડે તથા છુટ્ટા પથ્થરો મારી નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.