વૃદ્ધ દંપતીનુ મકાનનું સપનું રોળાયું: રિક્ષામાંથી ૯.પ૦ લાખની ચોરી
દંપતી રાજસ્થાનથી અમદાવાદ આવ્યું, ત્યાર બાદ શટલ રિક્ષામાં બેઠું ત્યારે ચોરી થઈ
(એજન્સી)અમદાવાદ, જો તમે શટલ રિક્ષામાં મુસાફરી કરો છો તો તે પહેલાં દસ વખત વિચાર કરી લેજો, નહીં તો તમારા કિંમતી સરસામાનની ગણતરીની મિનિટોમાં ચોરી થઈ શકે છે.
શહેરમાં સૌથી વધુ શટલ રિક્ષા દોડી રહી છે જેમાં કેટલાક લોકો ચોરી કરવાના ઈરાદે ફરતા હોય છે. રિક્ષાચાલકની સાથે તેના સાગરિતો પેસેન્જર તરીકે બેઠા હોય છે ત્યાર બાદ તેઓ ચોરી તેમજ લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે.
થોડા દિવસ પહેલાં એસપી રીંગરોડ પર શટલ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ યુવકનો મોબાઈલ લૂંટી લીધો હોવાની ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક દંપતી મકાન લેવાના સપના જોઈને ૯.પ૦ લાખ રૂપિયા લઈને રાજસ્થાનથી અમદાવાદ આવ્યું હતું જે શટલ રિક્ષામાં બેઠેલા ગઠિયાઓએ ચોરી લીધા છે. રૂપિયાની ચોરી થઈ ગયા બાદ રિક્ષા બગડી હોવાનું કહી ચાલક દંપતીને નીચે ઉતારીને નાસી ગયો હતો.
નારણપુરા વિસ્તારમાં આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા પ૭ વર્ષીય કોદરભાઈ પ્રજાપતિએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ૯.પ૦ લાખની ચોરીની ફરિયાદ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ કરી છે. કોદરભાઈ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પરિવાર સાથે રહે છે અને તે કુવૈતમાં નોકરી કરે છે. કોદરભાઈ માર્ચ મહિનામાં અમદાવાદ આવ્યા હતા.
બે દિવસ પહેલાં કોદરભાઈ અને તેમના પત્ની મણીદેવી રાજસ્થાનથી અમદાવાદ તેમના પુત્ર પ્રકાશને મળવા માટે આવ્યા હતા. કોદરભાઈ પત્ની સાથે રાણીપ બસ સ્ટેન્ડ પર ઉતર્યા હતા અને ચાલતા ચાલતા રિક્ષા સ્ટેન્ડ પર આવીને ઊભા રહ્યા હતા.
આ દરમિયાન એક રિક્ષાચાલક આવ્યો હતો જેમાં પહેલેથી એક મહિલા અને પુરૂષ પેસેન્જર બેઠા હતા. રિક્ષાચાલકે કોદરભાઈને પારસનગર જવાના ૩૦ રૂપિયા કહ્યા હતા. કોદરભાઈ રિક્ષાચાલકની બાજુમાં બેસી ગયા હતા જ્યારે તેમના પત્ની મણીદેવી પાછળ અન્ય પેસેન્જર્સ સાથે બેઠા હતા.
મકાન ખરીદવાનું હોવાથી કોદરભાઈ તેમની પાસે ૯.પ૦ લાખ રૂપિયા એક બેગમાં મૂકીને લાવ્યા હતા. કોદરભાઈએ રૂપિયા ભરેલી બેગ પોતાની પાસે રાખી હતી અને રિક્ષાચાલકની બાજુમાં બેસી ગયા હતા. થોડા દૂર ગયા બાદ રિક્ષાચાલકે કોદરભાઈને કહ્યું હતું કે, મને રિક્ષા ચલાવવામાં પ્રોબ્લેમ થાય છે. તમે બેગ પાછળ પેસેન્જર્સને આપી દો.
કોલરભાઈએ પત્નીને બેગ આપી હતી તો રિક્ષાચાલકે ઈન્કાર કર્યો હતો અને પેસેન્જરના હાથમાં અપાવવાની જીદ કરી હતી તેમ છતાં કોદરભાઈએ તેમના પત્નીને રૂપિયા ભરેલી બેગ આપી હતી. ચાલકે એકાએક રિક્ષા ઊભી રાખી હતી અને ચેઈન ખરાબ થઈ છે તેમ કહીને કોદરભાઈ તેમજ મણીદેવીને ઉતારી દીધા હતા. દંપતી ઉતરતાની સાથે જ રિક્ષાચાલક ફરાર થઈ થયો હતો.
મણીદેવીને રૂપિયા ભરેલી બેગ હલકી લાગતા કોદરભાઈએ ચેક કર્યું તો તેમાં રહેલા ૯.પ૦ લાખ રૂપિયા ગાયબ હતા. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી મહિલા અને પુરૂષે મણીદેવીની નજર ચૂકવીને બેગમાંથી રૂપિયા કાઢી લીધા હતા. રૂપિયા કાઢી લીધા બાદ બન્ને ગઠિયાઓએ ચાલકને સિગ્નલ આપી દીધું હતું. જેથી રિક્ષા બગડી હોવાનું કહીને બન્નેને ઉતારી દીધા હતા.
કોદરભાઈએ સમગ્ર ઘટના તેમના દિકરા અને ભત્રીજાને કરી હતી. કોદરભાઈએ આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.