ઘરેથી ભાગીને ટ્રેનમાં વગર ટિકિટે પ્રવાસ કરતા સગીર અને સગીરા ઝડપાયા
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ રેલવે સ્ટેશન પર એક લઘુમતી કોમનો ૧૬ વર્ષીય સગીર છોકરો તથા તેની સાથેની ૧૫ વર્ષીય હિન્દુ સગીરા બંને ઘરેથી ભાગીને ટ્રેનમાં બેસી નાગદાથી મુંબઈ જતા રસ્તામાં દાહોદ રેલવે સ્ટેશન પર ટિકિટ વિના મુસાફરી કરતા ઝડપાઈ જતા
રેલવે પોલીસે કરેલી સઘન પૂછપરછમાં બંને જણા ઘરેથી ભાગીને મુંબઈ જતા હોવાનું બહાર આવતા રેલવે પોલીસે તેઓના વાલી વારસનો સંપર્ક કરી દાહોદ ખાતે બોલાવી બંનેને વાલીવારસને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યા મુજબ ગઈકાલ તારીખ ૨૦ મી મે સોમવારના રોજ નાગદાથી મુંબઈ જતી ટ્રેન દાહોદ રેલવે સ્ટેશન પર આવતા ટીસી રમેશચંદ્ર ગુર્જર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની ટિકિટનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેનમાં બેઠેલા ઉત્તર પ્રદેશના મુસ્લિમ કોમના ૧૬ વર્ષીય સગીર છોકરા તથા તેની સાથે બેઠેલ ઉત્તરાખંડની ૧૫ વર્ષીય હિન્દુ સગીરા ઉપર ટિકિટ ચેકરની નજર પડતા તેઓએ તે બંને પાસે જઈ ટિકિટ માંગી હતી.
પરંતુ તેઓની પાસે ટિકિટ ન હોવાનું તેઓએ જણાવતા ટીસીએ પૂછપરછ કરતા તેઓ બંને જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા અને સંતોષકારક જવાબ ન આપતા તે બંનેને દાહોદ રેલવે પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં રેલવે પોલીસ મથકના જવાબદાર અધિકારી દ્વારા બંનેની સઘન પૂછપરછ કરતા આ દરમિયાન ૧૬ વર્ષીય છોકરાએ બંનેને છોડી મૂકવા માટે રેલવે પોલીસને રૂ.૧૦,૦૦૦ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
જેથી રેલવે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને દાળમાં કંઈક કાળું લાગતા બંનેની કડકાઇ પૂર્વક સઘન પૂછપરછ કરતા આ બંનેએ પોતપોતાના ઘરેથી ભાગીને આવ્યા હોવાનું જણાવ્યું હતું.
જેથી રેલવે પોલીસે બંને જણા પાસેથી તેઓના વાલી વારસના ફોન નંબર મેળવી તે બંનેના વાલી વારસ સાથે રેલવે પોલીસે ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરી તેઓના વાલીવારસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
હાલ બંનેને રેલવે પોલીસની દેખરેખ હેઠળ દાહોદ ખાતે રાખવામાં આવ્યા છે. અને દાહોદ રેલવે પોલીસે આ મામલે ઇન્દોર પોલીસનો સંપર્ક કરી તેમને સોંપવાની તજવીજ હાથ ધરી છે.