લોકસભાની ચૂંટણી ગુગલને ફળીઃ રાજકીય પાર્ટીની જાહેરાતથી 256 કરોડની કમાણી કરી
2024ની લોકસભાની ચૂંટણી રાજકીય પક્ષોએ ગુગલ એડનો સહારો લીધો -Google જાહેરાત ખર્ચ 2019 ની સરખામણીમાં 6 ગણો વધી ગયો
નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ભલે ઓછી બાહ્ય પ્રવળત્તિ થઈ હોય પરંતુ ડિજિટલ ચૂંટણી પ્રચાર ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર તેની ટોચ પર છે.
આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૧ જાન્યુઆરીથી ૨૧ મે ૨૦૨૪ વચ્ચે ગૂગલે દેશમાં માત્ર રાજકીય જાહેરાતોથી જ ૨૫૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. માત્ર એપ્રિલ અને મે મહિનામાં જ ગૂગલને ૧૬૦ કરોડ રૂપિયાથી વધુની રાજકીય જાહેરાતો આપવામાં આવી હતી.
આમાંથી બે તળતીયાંશ કરતાં વધુ વિડિયો જાહેરાતો છે. દેશમાં ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેરાતો આપવામાં ભાજપ મોખરે રહ્યું છે.
ગૂગલના એડ ટ્રાન્સપરન્સી ડેટા અનુસાર, દેશમાં ભાજપે જાન્યુઆરી ૨૦૨૪થી અત્યાર સુધીમાં ગૂગલની જાહેરાતો પર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
તેમાંથી માત્ર મે મહિનામાં જ રૂ.૪૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે. જ્યારે કોંગ્રેસ ૩૯ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ એડવર્ટાઇઝિંગના મામલે બીજા સ્થાને છે. માત્ર મે મહિનામાં જ કોંગ્રેસે ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
જ્યારે કોંગ્રેસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ જાહેરાતો પર સૌથી વધુ ખર્ચ કર્યો છે. જ્યારે છત્તીસગઢમાં માત્ર નજીવી ડિજિટલ જાહેરાતો આપવામાં આવી હતી.
1 જાન્યુઆરીથી 10 એપ્રિલના સમયગાળા દરમિયાન, ભાજપે ગૂગલ એડસ પર કુલ 76,800 જાહેરાતો ચલાવી, ટેક મેજરના ડેટા દર્શાવે છે. જે જાહેરાત પર તેણે મહત્તમ રકમ ખર્ચી છે તે હિન્દી ભાષાની ઇમેજ જાહેરાત હતી જે કેન્દ્રની જન ધન યોજનાનો પ્રચાર કરતી હતી. આ જાહેરાત 10 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી 49 દિવસ ચાલી હતી.
પક્ષ દ્વારા બીજો સૌથી વધુ ખર્ચ કેન્દ્રની મુદ્રા લોન યોજનાને પ્રમોટ કરતી તમિલ ભાષાની વિડિયો જાહેરાત પર હતો.