USથી અમદાવાદના વૃદ્ધની સોપારી અપાઈ, અદાવતમાં કરાઈ હત્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દેત્રોજના ઓઢવ ગામમાં થોડા દિવસ પહેલા એક મારામારી અને હત્યાનો બનાવો સામે આવ્યો હતો. મૃતક વૃદ્ધને પગમાં તિક્ષ્ણ હથિયારોના ઘા મારી ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો.
દેત્રોજ પોલીસે વૃદ્ધને માર મારી હત્યા નિપજાવનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં વૃદ્ધની હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે તેને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. વાત છે અમદાવાદ જિલ્લાના દેત્રોજના ઓઢવ ગામની. કે જ્યાં ૭૦ વર્ષના શંભુભાઈ પટેલ નામના વ્યક્તિને ગત તારીખ ૧૭ મે ના રાત્રિના તેઓ પોતાની દુકાન બહાર સુતા હતા.
ત્યારે અજાણ્યા લોકોએ પગ પર લાકડી અને ધારિયાના ઘા મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. જેમાં સારવાર દરમ્યાન વૃદ્ધ શંભુભાઈનું મોત નીપજ્યું હતું. મૃતક શંભુભાઈનાં દીકરા ભરત પટેલે દેત્રોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદને આધારે દેત્રોજ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આજથી એકાદ વર્ષ પહેલા જ્યારે શંભુભાઈ પોતાની કરિયાણાની દુકાનમાં હતા.
ત્યારે તેમની દુકાન સામે આવેલા રામજી મંદિરમાં તેજ ગામનો સૌરભ પટેલ નામનો યુવક ચંપલ પહેરી મંદિરની અંદર જતો હતો ત્યારે તેને રોક્યો હતો. જે બાદ સૌરભ પટેલે સમગ્ર ઘટનાની વાતચીત તેના ભાઈ રવિ ઉર્ફે ખજુરીને કરી હતી. ત્યારે રવિએ સૌરભને મોકો મળે ત્યારે શંભુભાઈના પગ ભાંગી નાખવાની વાત કરી હતી.જોકે સમગ્ર ઘટનાને એક વર્ષ જેટલું થઈ ગયા બાદ રવિ ઉર્ફે ખજુરી હાલ ેંજી રહે છે.
ત્યાંથી જ રવિએ તેના ગામ અને આસપાસના અમુક પરિચિત લોકોને શંભુભાઈના પગ ભાંગી તેને ઇજાગ્રસ્ત કરવાની સોપારી આપી હતી. જેથી ૧૭ મેના દિવસે શંભુભાઈ પોતાની દુકાન બહાર સુતા હતા. ત્યારે આરોપીઓએ શંભુભાઈના પગ પર લાકડી અને ધારિયા વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા અને સારવાર દરમિયાન શંભુભાઈનું મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટનામાં દેત્રોજ પોલીસે સૌરભ પટેલ, મુખ્ય આરોપી જોરાવરસિંહ ઝાલા ઉર્ફે ભોટુ અને સંદીપસિંહની ધરપકડ કરી છે, જ્યારે યુએસથી ફોનમાં સોપારી આપનાર રવિ તેમજ છનુભા ઝાલા અને ખુમાનસિંહ ઝાલા હાલ પોલીસ પકડથી દૂર છે.પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકાથી સોપારી આપનારાઓને પણ ઝડપવા માટે કાર્યવાહી કરવામાં આવશે.