અમદાવાદનો CG રોડ : રાતે નવ વાગ્યા બાદ નો પાર્કિગ ઝોન જાહેર
અમદાવાદ: આગામી તા.૩૧મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષાને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજીબાજુ, દારૂ અને રેવ પાર્ટીઓને લઇને પણ શહેર પોલીસે ખાસ વોચ ગોઠવી છે, પોલીસ દ્વારા દારૂને લઈને સ્પેશ્યલ ડ્રાઈવ આજથી શરૂ કરી દેવામાં આવી હતી. રેવ પાર્ટીઓ અને નાર્કોટીક્સની બદી પર પણ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઈમ ખાસ નજર રાખશે.
નવા વર્ષની પાર્ટીઓને લઈને નાકાબંધી પોઈન્ટ પર રાખવામાં આવ્યા છે. તો, પોલીસ દ્વારા દારૂડિયા અને આવી દારૂ-રેવ પાર્ટીઓને નાથવા માટે સ્પેશ્યલ ટીમો પણ બનાવવામાં આવી છે. સીજી રોડ, એસજી હાઈવે, આનંદનગર, વસ્ત્રાપુર પર લોકો ભેગા થઈ ઉજવણી કરતા હોય છે જેને લઈ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
સીજી રોડ પર રાતે ૯-૦૦ વાગ્યા બાદ નો પા‹કગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા ભીડવાળા વિસ્તારમાં અને ઉજવણીના જગ્યાએ મે આઇ હેલ્પ યુના કિઓસ્ક ઊભા કરવામાં આવશે. ૧૦૦૦ સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. સ્થાનિક પોલીસ સ્ટેશનના વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
પોલીસ કંટ્રોલરૂમમાંથી સતત ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. હોક બાઈક, ૮૫ જેટલી પીસીઆર વાન સતત પેટ્રોલીંગ કરશે. મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને ૫૨ શી ટીમો પણ ખાનગી કપડામાં આવી પાર્ટીઓ અને ભીડવાળા વિસ્તારમાં બંદોબસ્તમાં રહેશે. ૩૦૦ જેટલા બ્રેથ એનેલાઈઝર દ્વારા પોલીસ લોકોનું ચેકીંગ કરશે. શહેરમાં વિવિધ સ્થળોએ ૩૧ જેટલી પાર્ટીઓ માટે પાર્ટી પ્લોટ અને ક્લબના માલિકો દ્વારા અરજી આવી છે જેની પરમિશન આપવામાં આવી છે.
મંજૂરી પાર્ટી પ્લોટના માલિકોએ પોલીસની તમામ શરતોનું પાલન કરી આયોજન કરવાનું રહેશે. પા‹કગને લઈ પણ તકેદારી રાખવાની રહેશે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાતે ૧૦ વાગ્યા સુધી જ પાર્ટી અને માઇક વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. જા કે, થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ પોલીસ તંત્ર હાઇએલર્ટ અને સ્ટેન્ડ ટુ સાથે વોચમાં છે અને દારૂ-રેવ પાર્ટીઓ પર બાજ નજર રાખી રહી છે.