રાજકોટના TRP ગેમ ઝોનમાં વેલ્ડીંગના કારણે લાગી આગઃ ૨૫થી વધુનાં મોત (જૂઓ વિડીયો)
ભીષણ આગમાં આખો મોલ બળીને ખાકઃ મૃત્યુઆંક વધવાની દહેશત, ૧૦થી વધુ લોકોને બચાવાયાઃ ફાયરબ્રિગેડના જવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં દુર્ઘટના સર્જાઈ
ભડથું થઈ ગયેલા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાશે
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં મોડી સાંજે લાગેલી ભીષણ આગના પગલે મોટી જાનહાનિ થઈ છે. ગંભીર બાબત એ છે કે, ભીષણ આગમાં ભોગ બનનાર નાગરિકો જીવતા ભડથું થઈ ગયા છે. આ તમામની ઓળખવિધિ માટે ડીએનએ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર ગેમ ઝોનના ૪ જેટલા માલિક હતા.
આ તમામની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. મોડી સાંજ સુધી આગ ઓલવવાની કામગીરી ચાલી હતી. પરંતુ ફાયરબ્રિગેડના જવાનો ગેમ ઝોનનું અંદરનું દૃશ્ય જોતાં હેબતાઈ ગયા હતા. ગેમ ઝોનની અંદર ભડથું થઈ ગયેલા મૃતદેહો પડયા હતા. જેની ઓળખવિધિ હવે કરવામાં આવશે. આ માટે ડીએનએ ટેસ્ટ કરી આગળની કાર્યવાહી કરાશે.
#Gujarat : CCTV footage of #Rajkot Game Zone fire tragedy emerges pic.twitter.com/cLbsxishEQ
— Kaushik Kanthecha (@Kaushikdd) May 26, 2024
રાજકોટ, સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેના પરિણામે બપોરના સમયે મહાનગરોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં સંખ્યાબંધ નાગરિકો નજીકના મોલ, થિયેટરો તથા ગેમ ઝોનમાં જતા રહે છે. આજે મોડી સાંજે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા ત્યારે અચાનક જ આગ લાગી હતી
અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને એકપછી એક ૨૫ મૃતદેહો બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત ૧૦થી વધુ લોકોને બચાવી લેવાયા હતા. જોકે, હજુ પણ અંદર કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકાથી મૃત્યુઆંક વધવાની દહેશત સેવાઈ રહી છે. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ટીઆરપી મોલથી હોસ્પિટલ જવાના માર્ગ ઉપરથી પોલીસે તાકીદે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
રાજ્યભરમાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે નાગરિકોને સલામત રહેવા માટે સરકાર અને સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. ગરમીનાં કારણે આગ લાગવાની ઘટનાઓ વધતી હોવાથી રાજ્યભરમાં સ્થાનિક ફાયરબ્રિગેડ તંત્ર સતત એલર્ટ પર હોય છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાં આગની ઘટનાઓમાં ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરી જોવા મળતી હોય છે. આજે પણ રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રાજ્યમાં અસહ્ય ગરમી પડવાનાં કારણે જનજીવન પર તેની અસર પડી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી બની ગઈ છે. ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. પરંતુ હજુ પણ અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગ્રામ્ય વિસ્તારનાં નાગરિકો આ પરિસ્થિતિમાં શહેરી વિસ્તારોમાં આવેલા મોલ, થિયેટરોમાં આવતાં હોય છે.
આ જ રીતે રાજકોટમાં પણ આવેલાં મોલ અને થિયેટરોમાં જીલ્લાભરમાંથી નાગરિકો આવે છે. આજે બપોર બાદ રાજકોટ કાલાવડ રોડ ઉપર ટીઆરપી મોલમાં આવેલ ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં નાગરિકો અને ખાસ કરીને યુવાનો ઉમટી પડ્યા હતાં. સમગ્ર રાજકોટ શહેરમાં આ ગેમઝોન જાણીતું હોવાથી અહીં સતત ભીડ જોવા મળતી હોય છે. આજે પણ ટીઆરપી ગેમઝોનમાં ભારે ભીડ એકત્ર થઈ હતી. એ દરમિયાનમાં જ અચાનક જ આગે દેખા દેતા લોકોએ નાસભાગ શરૂ કરી હતી. પરંતુ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ગેમ ઝોનમાં હાજર લોકો ફસાયા હતા અને ૧૦ મિનિટમાં સંપૂર્ણ ગેમઝોનમાં પ્રસરી ગઈ હતી. કેટલાંક યુવકો અને યુવતીઓ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આજુબાજુ ૫થી ૬ કિલોમીટરના વિસ્તારમાં ધૂમાડાના ગોટા જોવા મળતાં હતાં. જેના પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર એકત્ર થઈ ગયા હતા. બીજીબાજુ ફાયરબ્રિગેડના જવાનો પણ આવી પહોંચ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલનો કાફલો પણ તૈનાત કરી દેવાયો હતો. ટ્રાફિક કામગીરીમાં ફાયરબ્રિગેડે ૧૦થી વધુ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા અને આ તમામને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને એકત્ર થયેલાં લોકોને દુર ખસેડી બચાવ કામગીરી સરળ બનાવી હતી. બચી ગયેલા લોકોનાં જણાવ્યા અનુસાર મોલમાં હજુપણ કેટલાંક લોકો ફસાયેલાં છે. જેના પગલે ફાયરબ્રિગેડના જવાનોએ સઘન શોધખોળ શરૂ કરી હતી. મોતનો આંકડો વધવાની દહેશત સેવાઈ રહી છે. ભડથું થઈ ગયેલાં ૨૫ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, ગેમ ઝોનમાં રાજકોટની આસપાસ આવેલા ગોંડલ, ઉપલેટા, ધોરાજી સહિતના નગરોમાંથી લોકો આવ્યા હતા. આ લખાય છે ત્યારે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટમાં લાગેલી આ ભયાનક આગ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે અને સ્થાનિક તંત્રને યોગ્ય વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.
આ ઘટનાના પગલે રાજકોટ પોલીસ કમિશનરે શહેરમાં આવેલા તમામ ગેમઝોન હાલ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. ચિંતાની બાબત એ છે કે, ભડથું થઈ ગયેલા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પોલીસે આ ઘટનામાં કસૂરવાર સામે કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.