મિત્રની હત્યા કરી નામ બદલી સાધુ બન્યો છતાં ૧૮ વર્ષે પકડાયો
સુરત, સુરતમાં ૧૮ વર્ષ પહેલાં પગારના મામલે ઝઘડો થતાં મિત્રની હત્યા કરનાર હત્યારો ૧૮ વર્ષે પકડાયો છે. બે વખત વેશપલ્ટો કર્યો છતાં તે બચી શક્યો નહોતો. વર્ષ ર૦૦૬માં ભેસ્તાન પાસે સળિયા બનાવવાની ફેકટરીમાં વોચમેન તરીકે કામ કરતાં ભોલા કુર્મી સાથે પગાર લેવા બાબતે ઝઘડો થતાં નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂતે ગુસ્સામાં માથાના ભાગે સળિયો મારી ભોલાની હત્યા કરી હતી.
હત્યા કર્યા બાદ નારાયણસિંહ ભાગી ગયો હતો. હત્યાનો મુખ્ય આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂતની તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સથી માહિતી મળી હતી કે નાસતો ફરતો આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂત ઉત્તરપ્રદેશ ખાતે વેશપલ્ટો કરીને હાલ સાધુના વેશમાં રહે છે
જેથી ઉત્તરપ્રદેશના ફતેપુર ખાતે ફરીથી એક ટીમ બનાવી મોકલી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પાંડેસરા પીઆઈ એન.કે.કામળિયાએ કહ્યું કે નારાયણસિંહ દંતોલીમાં વેશપલ્ટો કરી રહેતો હતો. ત્યાંથી તેને પકડી લેવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન નારાયણે પોતે હત્યા કર્યા બાદ મુંબઈ અને કાનપુર ભાગી ગયો હોવાની કબૂલાત કરી છે.
કાનપુરમાં પોલીસથી બચવા નારાયણે નામ બદલીને રાજુ કરી દીધું હતું. તે ડ્રાઈવરનું કામ કરતો હતો. ર૦૧૪માં એક અકસ્માતમાં તેનો ડાબો હાથ કપાઈ ગયો હતો ત્યારબાદ ફરી વેશપલ્ટો કરીને તે સાધુ બની ગયો હતો.