છોટાઉદેપુરથી ઉજ્જૈન સુધી રેલવે લંબાવવા માંગણી
ધાર સુધીના બ્રોડગ્રેજ પ્રોજેક્ટને ઉજ્જૈન સુધી લંબાવવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુરને મુસાફરીનો લાભ મળે
છોટાઉદેપુર, ગુજરાતના છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના ધાર સુધી બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટ અગાઉના ર૦૦૬ના વર્ષમાં મંજૂર કરવામાં આવ્યો હતો જેની કામગીરી હાલ ચાલી રહી છે જ્યારે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના જોબટ સુધી ટ્રેન હાલ જઈ રહી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના લોકોની માંગ ઉઠી છે.
કે હવે આ રેલવે ટ્રેન ઉજ્જૈન સુધી લંબાવી દેવામાં આવે તો વિશ્વ વિખ્યાત જવ્યોતિલિંગ શ્રી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવાનો લાભ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની પ્રજાને મળી શકે અને ચકતો સસ્તી અને સલામત મુસાફરી કરી ભગવાન મહાકલેશ્વરના દર્શનનો લાભ લઈ શકે અને હાલમાં ધાર્મિક સ્થાનોનો વિકાસ જે થઈ રહ્યો છે. તે જગ્યાએ જઈ સામાન્યમાં સામાન્ય માનવી પણ દર્શન કરી ધન્યતા અનુભવી શકે તેવી પ્રજાની માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ વડોદરા પ્રતાપનગરથી છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશના અલીરાજપુર અને છેક જોબટ સુધી ટ્રેનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ટ્રેનની અવર-જવર પણ શરૂ થઈ ગઈ છે જે સંદર્ભે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ બન્ને રાજ્યોમાં વેપાર ધંધા ઉદ્યોગ અર્થે પણ અવર-જવર વધી છે અને વ્યવહારો શરૂ થયા છે અને મુસાફરોને આવવા જવામાં રાહત થઈ છે
અને પ્રજામાં બન્ને રાજ્યોનો વ્યવહાર શરૂ થતાં આનંદની લાગણી ફેલાય છે પરંતુ વડોદરાથી ૩૯૦ કિ.મી. અને છોટાઉદેપુરથી ૩૦૦ કિ.મી. ઉજ્જૈનનું અંતર થાય છે જેમાં બસ સુવિધા અને ખાનગી વાહનો મારફતે પ્રજા દર્શન અર્થે જતી હોય છે
પરંતુ આ લાંબો અંતર દરેક માનવી અને સાધારણ વર્ગને પોસાય તેમ નથી જેના કારણે ઘણા દિવ્ય અલૌકિક જ્યોતિ‹લગના દર્શન કરવાથી વંચિત રહી જાય છે જે બાબતને ધ્યાન રાખીને સરકાર દ્વારા વડોદરા પ્રતાપનગરથી ઉપડતી ટ્રેન છોટાઉદેપુર થઈને ઉજ્જૈન અથવા ઈન્દોર સુધી લંબાવી દેવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.
ભારત દેશને દેવભૂમિ માનવામાં આવે છે અને ચમત્કારિક અલૌકિક મંદિરો અને ધાર્મિક સ્થાનો આજે પણ આપણા દેશમાં પ્રખ્યાત છે જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા દેશમાં આવેલા ધાર્મિક સ્થાનોનો વિકાસ હાથ ધરાયો છે અને મોટાભાગના ધાર્મિક સ્થળોનો ભારે વિકાસ થયો છે જે કામગીરી પ્રજામાં ખૂબ પ્રશંસનીય છે પરંતુ ધાર્મિક સ્થાનોએ જાત્રાએ જવું હોય તો ખાનગી વાહનો તથા બસનો સહારો લેવો પડતો હોય છે
જેને જાણીતો દાખલો છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના લોકોનો છે કે તેઓ દૂર આવેલા ધાર્મિક સ્થળો ઉપર સરળતાથી સસ્તા ભાડામાં પહોંચી શકતા નથી અને ધાર્મિક સ્થાનોની મુલાકાતથી વંચિત રહે છે જે બાબતને ધ્યાન રાખીને રેલવે લંબાવી ઈન્દોર અથવા ઉજ્જૈન સુધી કરી દેવામાં આવે તો શ્રદ્ધાળુઓને ભારે રાહત થઈ શકે તેમ છે.