ગાંધીનગરમાં સરકારી ભયજનક આવાસો બાબતે તાકીદની જાહેર ચેતવણી અપાઈ
પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં વિવિધ સેક્ટરો જેમાં સેક્ટર-૬ માં કુલ-૫૧ આવાસ, સેક્ટર-૭ માં કુલ-૧૩૨ આવાસ,સેક્ટર-૧૨ માં કુલ-૧૫ આવાસ, સેક્ટર-૧૩ માં કુલ-૭ આવાસ, સેક્ટર-૧૬ માં કુલ-૩૮ આવાસ, સેક્ટર-૧૭ માં કુલ-૭૩ આવાસ, સેક્ટર-૧૯ માં કુલ-૨ આવાસ, સેક્ટર-૨૦ માં કુલ-૯૪ આવાસ, સેક્ટર-૨૧ માં કુલ-૧૩૮ આવાસ,
સેક્ટર-૨૨ માં કુલ- ૧૭૭ આવાસ, સેક્ટર-૨૩ માં કુલ-૧૫૩ આવાસ, સેક્ટર-૨૪ માં કુલ-૨૦ આવાસ, સેક્ટર-૨૮ માં કુલ-૧૫૫ આવાસ, સેક્ટર-૨૯ માં કુલ-૧૬૦ આવાસ, સેક્ટર-૩૦ માં કુલ-૬૦ આવાસ, આમ કુલ ૧૨૭૫ ભયજનક/જર્જરીત જાહેર કરેલ સરકારી આવાસોમાં રહેતા વસાહતીઓને આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ,
જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સદરહું ભયજનક આવાસ ખાલી કરવા બાબતે વખતોવખત નોટીસ આપવામાં આવેલ છે. રહેવાસીઓને વૈકલ્પિક આવાસોની ઉપલબ્ધતા મુજબ આવાસ ફાળવવામાં આવેલ હોય કે ન હોય, તેમના કબજા હેઠળનું ભયજનક આવાસ તાકીદે ખાલી કરવા ચેતવણી આપવામાં આવે છે.
જો ભયજનક/જર્જરીત આવાસ ખાલી કરવામાં નહી આવે તો જે-તે કબજેદાર સામે સરકારશ્રીના નિયમોનુંસાર તેઓ વિરૂધ્ધ “ગુજરાત પબ્લિક એન્ડ પ્રિમાઇસીસ (ઇવિક્શન ઓફ અન ઓથોરાઇઝડ ઓક્યુપન્ટ) એક્ટ, ૧૯૭૨” હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા ભયજનક આવાસોમાં કોઇ પણ વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી, વસવાટ કે અન્ય ઉપયોગ કરવો નહી,
તેમજ આવા ભયજનક જણાતા આવાસની આસપાસ અવર-જવર કરવી નહી તથા આજુ બાજુ આવાસોના ઉપયોગ કર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પૂરતી કાળજી રાખવી.
સદર ભયજનક આવાસમાં રહેતા વસાહતીઓને કોઇ પણ જાનમાલનું નુકશાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી આવા આવાસોના કબજેદાર/સબંધિત હિત ધરાવતા તમામ વ્યક્તિઓની રહેશે. જેની તમામે ગંભીર નોંધ લેવી. વધુ આ બાબતે GPMC એક્ટ મુજબ સરકારી આવાસો ખાલી કરવા બાબતેની કાર્યવાહી હાથ ધરવા કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાને યાદી સોંપેલ છે.