Western Times News

Gujarati News

અમદાવાદના ૪પ તળાવ ડેવલપ થશે

File Photo

કેન્દ્ર સરકારની એનપીસીએ યોજના અંતર્ગત

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેેશને છેલ્લા એક દાયકાથી લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. શહેરના એતિહાસિક કાંકરીયા તળાવના નવનિર્માણ બાદ મળેલી બહોળા પ્રતિસાદના પગલે તંત્રએ ઘોડાસર, વસ્ત્રાપુર, નરોડા, લાંભા, અસારવા વિસ્તારના તળાવ ડેવલપમેન્ટના કામ પણ પૂર્ણ કર્યા છે. રાજ્ય સરકારની સુચના બાદ પાંચ વર્ષ અગાઉ વધુ ૧૩ તળાવોના ડેવલપમેન્ટ માટે રૂ.૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તળાવ સંપાદન અને દબાણના કારણે નિયત સમયમાં ડેવલોપમેન્ટના કામ થઈ શક્યા નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશને જે તે સમયે ૧૩ તળાવના વિકાસ માટે કન્સ્લટન્ટની નિમણુંક પણ કરી હતી. જેમના રીપોર્ટ બાદ કેટલાંક તળાવોના વિકાસનો પ્લાન પડતો મુકવામાં આવ્ય્‌ હતો. પરંતુ હવે તળાવ ડેવલપમેન્ટમાં કેન્દ્ર સરકારે પણ રસ દાખવ્યો છે. તથા તેના માટે ખાસ ફંડ આપવા પણ તૈયારી દર્શાવી છે. તેથી આગામી સમયમાં એનપીસીએ અંતર્ગત વધુ ૪પ તળાવોના ડેવલપમેન્ટ માટે આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશન દ્વારા તળાવ ડેવલપમેન્ટ માટે ઘણા સમયથી પ્રસ્તાવ કરવામાં આવ્યા હતા. પરંતુ નક્કર આયોજનના અભાવે તેનો પૂર્ણ અમલ થઈ શક્યો નથી. શહેરની હદમાં ૧૯૮૬-૮૭ના વર્ષ બાદ સમાવિષ્ઠ થયેલ વિસ્તારોના તળાવ ફરતે મોટાપાયે દબાણ થઈગયા છે. જયારે કેટલાંક વિસ્તારમાં તળાવની અંદર જ બાંધકામ થયા છે. શહેરના ઈસનપુર તળાવના વિકાસ માટે ર૦૧૦ની સાલથી પ્રસ્તાવ થાય છે. ઈસનપુર તળાવના વિકાસ માટે બે બે વખત સર્વે કરવામાં આવ્યા છે. પરંતુ તળાવની ચોતરફ દબાણોના કારણે વિકાસના કોઈ જ કામ થયા નથી. આ જ પરિસ્થિતિ  ચંડોળા તળાવની પણ છે.

ચંડોળા તળાવના ડેવલપમેન્ટ માટે છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકાર અને મનપા દ્વારા જાહેરાતો થઈ રહી છે. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ પુરતી જ સીમિત રહી છે. મ્યુનિસિપલ કોર્પોેશને છેલ્લા થોડા વરસો દરમ્યાન વટવા, લાંભા, ઘોડાસર, નરોડા, અસારવા વિસ્તારના તળાવ ડેવલપ કર્યા છે. જ્યારે મોટેરા, ચાંદખેડા, સરખેજ નિકોલ, ર્રોપડા, છારોડી, ઈસનપુર સોલા સહિતના ૧૩ તળાવના ડેવલપમેન્ટ માટે રૂ.૧૦૦ કરોડની જાગવાઈ કરી હતી. પરતુ જમીન સંપાદન અને દબાણોના કારણે કામ થઈ શક્યા નહોતા. હવે, કેન્દ્ર સરકાર પણ તળાવ ડેવલપમેન્ટ માટે રસ લઈ રહી હોવાથી વિકાસના કામ ગતિ આવી શકે છે.

મ્યુનિસિપલ કોર્પોેરેટર દિનેશ દેસાઈના જણાવ્યા અનુસાર કેન્દ્ર ગૃહમંત્રીએ અંગત રસ લઈને તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે. સદર પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નાણાંકીય સહાયથી ૪પ નાના મોટા તળાવોના વિકાસ માટે આયોજન થઈ રહ્યુ છે. કેન્દ્ર સરકારની એેનપીસીએ યોજનાની નવી ગાઈડલાઈન મુજબ તળાવોના વિકાસ અને જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોેરશન દ્વારા ફેઝ-૧ અને ફેઝ-ર માં તળાવોના વિકાસ માટેનો પ્લાન તૈયાર કરવામાં આવશે.


ફેઝ-૧ માં પાંચ હેક્ટરથી મોટા એવા ૧૭ તળાવના વિકાસ માટે રૂ.૩૧૦.પ૯ કરોડનો ખર્ચ થશે. જ્યારે ફેઝ-રમાં ર.પ થી પ હેક્ટર સુધીના ર૮ તળાવ ડેવલપ કરવામાં આવશે જેના મટો રૂ.૧૪ર.૩૧ કરોડનો ખર્ચ થશે. ફેઝ-૧ અને ફેઝ-ર ના કુલ ૪પ તળાવો પૈકી ર૦ તળાવ નવા પશ્ચિમ ઝોન વિસ્તારના છે. તદુપરાંત લાંભા, વટવા, ઈસનપુર, સૈજપુર-,ગોપાલપુર, હાથીજણ, નિકોલ, વિસ્તારના તળાવોને પણ ડેવલપ કરવામાં આવશે. સદ્દર યોજનામાં કેન્દ્‌ સરકારનું ફંડીંગ ૬૦ ટકા અને રાજ્ય સરકારનું ફંડીંગ ૪૦ ટકા રહેશે.

શહેરના ૧૧ર પૈકી ર૬ તળાવો ડવલપ થઈ ચુક્યા છે. જ્યારે ૯૬ તળાવનું ડેવલપમેન્ટ બાકી છે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ૪પ તળાવના ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેનો કુલ ખર્ચ રૂ.૪પર.૯૦ કરોડ થશે. જેમાં કેન્દ્ર સરકાર ૬૦ ટકા લેખે રૂ.ર૭૧.૭૪ કરોડ અને રાજ્ય સરકાર ૪૦ ટકા લેશે રૂ.૧૮૧.૧૬ કરોડ આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ૪પ તળાવના ડેવલપમેન્ટ માટેનો ડીપીઆર રાજ્ય સરકારને મોકલવામાં આવશે એમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.