અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૩ કિ. મી. વ્હાઇટ ટોપિંગ રોડ પર નવી 715 કેચપીટો બનાવી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અ.મ્યુ.કોર્પો.ની હદમાં આવેલ જુદા જુદા ઝોનમાં વ્હાઇટ ટોપીંગ પધ્ધતિથી કોન્ક્રીટ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વ્હાઇટ ટોપિંગ રોડના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી બને તેના માટે મ્યુનિસિપલ રોડ પ્રોજેક્ટ વિભાગે આ બાબતે પૂરતું ધ્યાન રાખ્યું છે તેમજ અંદાજે ૧૩ કી.મી. ના રોડ પર ૭૦૦ કરતા વધુ નવી કેચપીટો બનાવી છે
જેના કારણે વરસાદી પાણીનો સરળતા પૂર્વક નિકાલ થશે તેમજ નાગરિકો ની હાલાકી હળવી થશે તેમ માનવામાં આવે છે. અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી કોન્ક્રીટ રોડને ડેવલપ કરવાની કામગીરીના ભાગરૂપે કુલ આશરે ૧૩ કિ.મી. લંબાઈનાં ૧૮ રસ્તાઓ પર ૫૫૪ નંગ હયાત કેચપીટ હતી, જેમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન નાખીને ૭૧૫ નંગ વધુ નવી કેચપીટો બનાવવામાં આવેલ છે
આમ કુલ ૧૨૬૯ નંગ કેચપીટો સાથે કુલ આશરે ૧૩ કિ.મી. લંબાઈનાં રસ્તા વ્હાઇટ ટોપીંગ પધ્ધતિથી કોન્ક્રીટ રોડ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સદર રસ્તા પર અગાઉ ભરાઈ રહેતા વરસાદી પાણીના સમય કરતા વધુ ઝડપથી ઓછા સમયગાળામાં વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યુ છે.
અમદાવાદ શહેરના નાગરીકોને વરસાદના સમયગાળા દરમ્યાન વરસાદી પાણી ભરાવવાના કારણે ટ્રાફીકમાં અવગડ ના પડે તેવું આયોજન કરી વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી કોન્ક્રીટ રોડ બનાવવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં જુદા જુદા રસ્તા જેવા કે ગુરુકુળ થી તીર્થનગર રોડ, ત્રિકમલાલ ચાર રસ્તા થી સંજયનગર ચાર રસ્તા સુધીનો રોડ, આલોક બંગ્લોથી સિધ્ધી બંગ્લો સુધીનો રોડ, સંજયનગરથી ચામુંડા સ્મશાન ઘાટ રોડ, બીજલ પાર્ક રોડ, રેવામણી હોલથી સંસ્કૃતિ એપાર્ટમેન્ટ રોડ, સ્ટૂલીંગ હોસ્પીટલ રોડ,
વિવેકાનંદ સર્કલથી સુરધારા સકલ રોડ, સુરધારા સર્કલ થી એસ.જી. હાઇવે રોડ, રાહુલ ટાવરથી સ્ટાર બજાર રોડ, ઓમકારેશ્વર મંદિરથી સૈનીક પેટ્રોલપંપ સુધીનો રોડ, સ્વાગત એપાર્ટમેન્ટ થી સ્વામીનારાયણ મંદીર રોડ, સ્વાનીક આર્કેડ થી નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ, ભંમરીયા કુવાથી લાંભા બળીયાદેવ મંદીર રોડ, ઉમીયા કોમ્પલેક્ષથી સંમૃધ્ધી ગ્રીન વસ્ત્રાલ રોડ,
ભૈરવનાથ મંદિરથી રાજેશ્વરી કેનાલ રોડ, જયેન્દ્ર પંડિત રોડ, ગોમતીપુર વીરભગત સિંહ હોલથી ફાયર સ્ટેશન થઇ બી.આર.ટી.એસ. સુધીનો રોડ વ્હાઇટ ટોપીંગ પધ્ધતિથી કોન્ક્રીટ રોડ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગે ડે.મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર અને સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલા નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વ્હાઇટ ટોપીંગ પધ્ધતિથી કોન્ક્રીટ રોડ બનાવવાની કામગીરીમાં હયાત સોસાયટીનાં
પ્લીન્થ લેવલનો સર્વે કરીને સોસાયટીની પ્રોપર્ટી નવો રોડ બનવાથી નીચી ના થઇ જાય તેમજ જે સોસાયટીના પ્લીન્થના લેવલ પહેલાથી જ હયાત રોડથી નીચા હોય તેના પ્લીન્થ લેવલ વધુ નીચા ના થાય તેમજ નીચા લેવલના કારણે વરસાદી પાણી ના ભરાય તે માટે કેચપીટ બનાવવાની કામગીરીનું આયોજન કરીને સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં હાલ ચાલી રહેલ વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરીમાં હયાત ડામર રોડની ઉપર ઓવર લે કરી કામગીરી કરવામાં આવે છે. જેમાં હયાત ડામર રસ્તાની જાડાઇ (થીકનેસ) ન્યુનતમ ૭૫ એમએમ મળે તે રીતે કરી મીલીંગની કામગીરી કરી તેના ઉપર ૧૫૦ એમએમ થી ૧૮૦ એમએમ જાડાઈમાં કોન્ક્રીટની કામગીરી કરવામાં આવે છે.
સામાન્ય રીતે જો હયાત રસ્તાની જાડાઈ જો ૧૫૦થી ૨૦૦ એમએમ હોયતો તેમાં ૭૫ એમએમ જાડાઈનો રસ્તો મીલીંગ કરી દુર કરવામાં આવે છે. અને ત્યાર બાદ બાકી રહેલ ડામર પર ૧૫૦ થી ૨૦૦ એમએમ જાડાઈમાં કોન્ક્રીટની કામગીરી કરવામાં આવે છે. જેના કારણે મુળ રસ્તાની ઉંચાઈમાં આશરે ૩ થી ૪ ઇંચ જેટલો વધારો થાય છે.ઉંચાઈમાં થયેલ આ વધારો પાર્કગ એરીયામાં સ્લોપમાં વધારો કરી ઈફેકટીવલી ૨ ઈંચ (૫૦ એમએમ) જેટલો કરવામાં આવે છે.
જે સામાન્યતઃ રોડનાં ફીનીસ લેવલ માં થોડો વધારો થાય છે. પરંતુ અત્રેથી હયાત ડામર રોડમાં કોર કરી તેની જાડાઈનું પ્રમાણ જાણી મહત્તમ મીલીંગ કરી નવો રોડ બનાવવામાં આવતો હોવાથી ફીનીસ લેવલમાં વધુ તફાવત રહેતો નથી.
તદ્ઉપરાંત વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી કોન્ક્રીટ રોડ ડેવલપ કરવાની ચાલુ કામગીરી દરમ્યાન હયાત સોસાયટીની પ્રોપર્ટીની બહારની બાજુ નવી સ્ટ્રોમ વોટર કેચપીટ બનાવવાની કામગીરી કરવામાં આવેલ છે. સદર કામગીરીમાં રસ્તા ઉપર જરૂરીયાત મુજબ કેચપીટ બનાવેલ ના હોય તો નવી કેચપીટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.