શું સનદી અધિકારી બંછાનિધિ પાની લાચારીનો અનુભવ કરે છે?
સનદી કેડરના IAS અને IPS ઓફિસરો વચ્ચે હંમેશા અહમનો જબરો ટકરાવ ચાલતો હોય છે!
તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ અંગે સરકારે એક ‘ખાસ તપાસ દળ’ની રચના કરી છે.આ તપાસ દળના વડા તરીકે સરકારે ૧૯૯૯ની બેચના બાહોશ આઈ.પી.એસ. અધિકારી અને અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીની નિમણૂંક કરી છે.
આ દળમાં ત્રિવેદીના હાથ નીચે ૨૦૦૫ની બેચના આઇ.એ.એસ. અધિકારી અને કમિશનર, ટેકનીકલ એજયુકેશન તરીકે ફરજ બજાવતા બંછાનિધિ પાનીને મુકવામાં આવ્યા છે.
પરંતુ સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે બંછાનિધિ આ કામગીરીથી જરાય રાજી નથી.તેનું કારણ એ છે તેઓ પોતે સીધી ભરતીના આઈ.એ.એસ.અધિકારી છે અને તેઓએ એક પ્રમોશનથી આઇ.પી.એસ.બનેલા અધિકારીના હાથ નીચે કામ કરવાનું છે. હવે(કોઈ પણ) સરકારમાં સ્થિતિ એવી હોય છે કે સનદી કેડરના આઈ.એ. એસ.અને આઈ.પી.એસ. ઓફિસરો વચ્ચે હંમેશા અહમનો જબરો ટકરાવ ચાલતો હોય છે.
બન્ને કેડરના અધિકારીઓ પોતાના માન,મોભા,પદ,સિનિયોરીટી, બેચ વગેરેથી બહુ સભાન હોય છે.વળી,આઈ.એ??.એસ. અધિકારીઓ પોતાની કેડરને આઈ.પી.એસ. કેડર કરતા ઊંચી ગણે છે.આ કારણે ‘ખાસ તપાસ દળ’માંની પોતાની નિમણૂંકથી બંછાનિધિ પાની જરાય રાજી નથી અને લાચારી અનુભવે એવું કહેવાય છે!
વજુભાઈ વાળાએ રાજકોટમાં મહાભારતના વિકર્ણ જેવી ભૂમિકા ભજવી!
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ અંગે રાજકોટ અને પ્રદેશ ભા.જ. પ.ના દરેક અધિકારી અને પદાધિકારીઓ લોકોને સાંત્વના આપવાથી કે તેમને આશ્વસ્ત કરવાથી દૂર રહ્યા છે.
પ્રદેશ પ્રમુખ પાટીલની શરૂ કરીને રાજકોટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા સુધીના નો આમાં સમાવેશ થઈ જાય છે.રાજકોટના ધારાસભ્યો પણ આ અંગે સંપૂર્ણ ચુપકીદી સેવી લીધી છે.
એ સામે ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ સાવ જુદો અભિગમ અપનાવ્યો છે અને સોય ઝાટકીને કહી દીધું છે કે “ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી એ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જ જવાબદાર છે.આવડુ મોટું સંકુલ કોર્પોરેશનની મંજૂરી વગર ચાલતું હોય અને કોઈને ખબર ન હોય એવું તો શક્ય જ નથી.”
વજુભાઈનો આ અભિગમ મહાભારતનાં વિકર્ણ ની યાદ અપાવે છે.દ્રૌપદીનુ વસ્ત્રાહરણ થતું હતું ત્યારે એ એ સભામાં સૌ મુંગા મોઢે બેઠા હતા ત્યારે ૧૦૦ કૌરવો પૈકીનો એક ભાઈ વિકર્ણ ઊભો થઈને બોલ્યો હતો કે ‘આ અધર્મ છે અને અન્યાય છે.’ આજે અનેક વિકર્ણની જરૂર છે એવું લાગે છે હોં!
વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુ ઠાકોરની હરિયાણા પોલીસે ધરપકડ કરી
એક જમાનામાં ભારતીય જનતા પક્ષ પોતાની ઓળખાણ ‘પાર્ટી વીથ ડિફરન્સ’ તરીકે આપતો હતો.પરંતુ ગુજરાતમાં એકધાર્યા ૨૭ વર્ષથી સત્તા ભોગવવાને કારણે એ પક્ષમાં પણ આમૂલ પરિવર્તન આવી ગયું છે.તેનુ એક તાજુ ઉદાહરણ મહેસાણા જિલ્લાના વિસનગરમાંથી મળ્યું છે.
ભા. જ.પ.શાસિત વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુ ઠાકોરની હરિયાણા પોલીસે છેક વિસનગરમાં આવીને ડબ્બા ટ્રેડિંગના એક પ્રકરણમાં શકમંદ આરોપી તરીકે ધરપકડ કરી છે.
આ ધરપકડથી બચવા વિષ્ણુએ શામ,દામ, દંડ અને ભેદની નીતિ અજમાવી હતી પણ એમાં કામયાબી મળી નહોતી.એથી પણ વધુ શરમજનક વાત તો એ છે કે સ્થળ તપાસ અર્થે વિષ્ણુ ઠાકોરને તેના નિવાસસ્થાને લઈ જવાયા ત્યારે તે તકનો લાભ લઈને વિષ્ણુ ઠાકોરે પોતાના ઘરનાં ધાબેથી ભાગવાનો પ્રયત્ન કરતા નીચે પટકાયા હતા અને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આપણાં રાજકારણીઓનુ સ્તર કઈ કક્ષાએ જઈ રહ્યું છે તેનું એક ઉદાહરણ વિષ્ણુ ઠાકોરે આપણને આપ્યું છે હોં!
આ પણ એક ગેમ ઝોન જેવું જ જોખમી યંત્ર છે. શું સરકાર તે અંગે યોગ્ય પગલાં લેશે?
ટીઆરપી ગેમ ઝોનનાં ગોઝારા અકસ્માત બાદ સરકારે લીધેલા ઝડપી પગલાંનાં સંદર્ભે સરકારનું એ વાત તરફ પણ ધ્યાન દોરવાનું મન થાય કે રાજ્યમાં વર્ષોથી ટીઆરપી ગેમ ઝોન જેવું જ જોખમી ગણી શકાય તેવું એક હરતું ફરતું યંત્ર રાજ્યમાં સરેઆમ ઘુમી રહ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે રાજ્યમાં સ્કૂલનાં બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરતી તમામ સ્કૂલ વાન ગેસ કીટથી ચલાવવામાં આવે છે.દરેક વાનમાં બાળકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે.
બાળકોની સીટની નીચે જ ગેસનું સિલિન્ડર મુકવામાં આવ્યું હોય છે.આ આખી વ્યવસ્થા અત્યંત જોખમી છે,ન કરે નારાયણ અને ક્યારેક કોઈ સ્કૂલ વાનમાંનું ગેસ સિલિન્ડર ફાટે તો કેવી ભયંકર કરુણાંતિકા સર્જાય એનો વિચાર માત્ર કરતા ધ્રુજી ઉઠાય છે.
વર્તમાન સરકાર કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં સ્કૂલ વાનમાં ગેસ સિલિન્ડર વાપરવા પર પ્રતિબંધ મુકવા માટે ચિંતાપૂર્વક કશું વિચારે અને તેનો ઝડપી અમલ કરે તે ખૂબ ઈચ્છનીય છે હોં!
બોલો લ્યો,સરકારી થિયેટરો પાસે જ ફાયર એન.ઓ.સી.નથી?
આપણે ત્યાં જ્યારે કોઈ મોટી ભુલ થાય ત્યારે એક કહેવત એવી ટાંકવામાં આવે છે કે “આખું કોળું શાકમાં ગયું.” રાજકોટ ગેમ ઝોનમા લાગેલી આગ પછી ગુજરાતનું વહીવટીતંત્ર બેબાકળુ થઈને દોડવા માંડ્યું છે.
આ દોડમાં સરકારની પોતાની ઈમારતોની પોલ પણ ખુલવા માંડી છે.
ભાવનગરના જાણીતા નાગરિક અને કલા મર્મજ્ઞ પ્રા.વિનોદ વ્યાસને મળેલી માહિતી જો સાચી માનીએ તો ભાવનગરના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને ૧૦૫૦ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવતા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ પાસે જ ફાયર સેફ્ટીનું નો ઓબ્જેકશન સર્ટિફિકેટનથી!
એ ઉપરાંત ભાવનગરમાં જ આવેલા ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કમિશનર કચેરી હસ્તકના અને ૭૫૦ શ્રોતાઓને સમાવવાની ક્ષમતા ધરાવતા યશવંતરાય નાટ્યગૃહ પાસે પણ ફાયર સેફ્ટીનું નો ઓબ્જેકશન સર્ટિફિકેટ નથી.બંને સભાગૃહ સેન્ટ્રરલી એરકંડીશનેડ છે. સરકારી ઈમારતો જ જો આ બાબતે સતેજ અને સાવચેત ન હોય,નિયમોનું પાલન ન કરતી હોય તો એ બીજા પાસે તો તો શું અપેક્ષા રાખવી?
અલબત્ત, બીકમાં ને બીકમાં બંને ઓડિટોરીયમ હાલ પુરતા તો બંધ કરી દીધાં છે. આને સરકાર દ્વારા આખું કોળું શાકમાં ગયું એમ કહેવાય હોં!