દાહોદમાં બોગસ NA કૌભાંડ પ્રકરણમાં બંને આરોપીઓ વધુ બે દિવસના રિમાન્ડ પર
દાહોદ, દાહોદ શહેરના બહુચર્ચિત બોગસ એનએ પ્રકરણમાં આરોપીઓના રિમાન્ડ પુરા થતાં કેટલીક મહત્વની કડીઓનો તાલમેલ સાધવા અને ખૂટતી કડીનું અનુસધાન મેળવવા પોલીસે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બંને આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા ચકચાર મચી જવા પામી છે.
દાહોદ શહેર તથા તાલુકાની જમી ખેતીની જમીનોના હુકમો બિનખેતીના ફેરવવાના હુકમો બોગસ બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરવાનો કૌભાંડ બહાર આવતા આ સંબંધે દાહોદ પોલીસે બે અલગ અલગ ગુના રજીસ્ટર કરી ત્રણ વ્યક્તિઓની અટક કરી હતી તે પૈકી દાહોદ એ ડીવીઝનમાં નોંધાયેલી ફરિયાદમાં દાહોદ શહેરના શૈશવ પરીખ તેમજ જકરીયા ટેલરને અગાઉ ત્રણ દિવસના કોર્ટ રિમાન્ડ આપ્યા હતા તેઓના રિમાન્ડની અવધી પૂર્ણ થતા પોલીસે આજે આરોપીઓને પુનઃ નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા.
સમગ્ર બનાવમાં ગંભીર ગેરરીતિઓ ધ્યાને આવતા તથા તેના જડ સુધી પહોંચવા માટે કેટલીક ખૂટતી કડીઓ મેળવવાની હોય તથા ઓફિસના કોમ્પ્યુટર વગેરેની રિકવરી કરવાની હોય પોલીસે કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે આજે બંને આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા ટોક ઓફ ટાઉન બનેલા આ બનાવમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગે અફવાએ પણ જન્મ લીધો છે. છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા જમીન વ્યવહારો અંગે જમીન માલિકો વેચાણકર્તાઓ અને બિલ્ડરોમાં એક પ્રકારનો છૂપો ભય ફેલાઈ જવા પામ્યો છે તો કેટલાક જમીનના ધંધા કરનારા ઈસમોએ પોતાના જમીનના ટાઈટલો અંગે તપાસ હાથ ધરી અને દોડધામ કરી મુકયો હોવાનું જાણવા મળ્યું છે.
બોગસ એનએ ના પ્રકરણમાં અંગે હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં સમગ્ર બોગસ ઓર્ડરો મુખ્યત્વે ર૦૧પ/૧૬ થી ર૦૧૮/૧૯ દરમિયાન વધુ માત્રામાં થયા હોવાનું બહાર આવવા પામ્યું છે. તો આ સંદર્ભે તપાસ અધિકારીઓએ ર૦૧પ થી ર૦ર૦ અને આજ દિન સુધીના તમામ ઓર્ડરો પર ચાપતી નજર રાખી તેની ચકાસણી હાથ ધરી હોવાનું અતરંગ સુત્રો દ્વારા જાણવા મળી રહયું છે.