Western Times News

Gujarati News

કોર્પોરેટર અને દંડકના ફૂડ કોર્ટને સીલ માર્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી ધમધમતું થયા

પ્રતિકાત્મક

સુરતમાં સિલિંગ અભિયાન વિવાદોમાં પડયું, વ્હાલાં દવલાંની નીતિનો આક્ષેપ

સુરત, સરકારી તંત્ર અને મહાપાલિકાના વહીવટી તંત્રે રાજકોટની ઘટના પછી સક્રિયતા પૂરવાર કરવા વધુ એક વખત મોટાપાયે શહેરભરમાં મિલકતોના સીલિંગની ઝુંબેશ છેડી છે. જો કે, છ દિવસમાં જ આ સીલ કરવાનું અભિયાન વિવાદોમાં સપડાયું છે.

રાંદેર ઝોનમાં એકતરફ કોર્પોરેટર અને દંડકના ફૂડ કોર્ટને સીલ માર્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી ધમધમતું થઈ ગયું હતું. તો બીજી તરફ રેલવે સ્ટેશન પાસે ભાજપના બીજા એક કોર્પોરેટરની હોટલના ડોરમેટરીને ફાયર એનઓસી માટે સીલ મારી દીધું હતું. એક તરફ હોસ્પિટલથી માંડીને નાના-નાના દુકાનદારો સીલ ખોલાવવા માટે કરગરી રહ્યા છે. ત્યારે ફાયર વિભાગના અધિકારીઓ નેતતઓ સમક્ષ ઘૂંટણિયે પડયા હોવાની વાતો વાયુ બનીને શહેરમાં ચર્ચાવા લાગી છે.

સુરતમાં ખાસ કરીને રાંદેર, વરાછા અને અઠવા ઝોન વિસ્તારોમાં ટેમ્પરરી સ્ટ્રકચરના નામે ખાણી-પીણાના સ્ટોલ્સ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ફાયર એનઓસી અને પાર્કીંગ જેવી સુવિધાઓના અભાવ વચ્ચે ધમધમતા આ ફૂડ કોર્ટ વિરૂદ્ધ પણ મહાનગરપાલિકા દ્વારા સીલિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે ગઈકાલે પાલ ખાતે ગેલેક્ષી સર્કલ ઉપર આવેલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના ફૂડ કોર્ટ લા-પેન્ટોલાને સીલ કરવામાં આવ્યું હતું.

શરૂઆતમાં તો ફાયર વિભાગની કાર્યવાહીની ચોમેરથી પ્રશંસા થઈ હતી. જો કે, ગણતરીના કલાકો બાદ શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાના આ ફૂડ કોર્ટને સીલ કરાયા બાદ વિવાદનો વંટોળ પણ ઊભો થયો છે.

કાર્યવાહી બાદ ફાયર વિભાગ દ્વારા હાલમાં કોઈ સીલ ખોલવામાં આવી રહ્યા નથી ત્યારે ભાજપના કોર્પોરેટરના ફૂડ કોર્ટમાં લાગેલું સીલ રાતોરાત ખુલી ગયું હતું તેમાંથી સામાન ટેમ્પોમાં ભરીને લઈ જવાતો હોવાની તસ્વીરો વાયરલ થતાં વિવાદ ઉઠયો છે. ગઈકાલે રાતથી જ આ ફૂડ કોર્ટની તસવીરો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.