ડામરકાના લોકોએ આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી જોઈ નથી
ગુજરાત સરકાર છેવાડાના વિકાસની વાતો કરતું હોય તો પછી ડામરકામાં વીજળી કેમ નથી પહોંચી
પાટણ, ગુજરાત મોડલની ચર્ચા તો આખા દેશમાં થાય છે. ગુજરાતના તર્જ પર વિકાસની વાત કરવામાં આવે છે. પરંતું પાટણના એક ગામમા ગુજરાત મોડલ ફેલ જોવા મળ્યું. અહીં વિકાસ તો દૂરની વાત, પણ ગામમાં વીજળી જ નથી. માનવામાં ન આવે કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામમાં વીજળી નથી. રાત પડ્યે લોકો દીવા તળે કામ કરે છે. પાટણના રાધનપુર તાલુકાના ૫૦ ની વસ્તી ધરાવતા નાનકડા એવા ડામરકા ગામમાં રાતે અંધારપટ છવાઈ જાય છે.
આઝાદીના ૭૫ વર્ષો વીત્યા છતાં રાધનપુર નગરપાલિકાની હદમાં આવતા ડામરકા ગામમાં આજદિન સુધી લાઈટ આવી નથી. ગુજરાત સરકારની વિકાસનો દાવો ડામરકામાં આવીને પોકળ સાબિત થાય છે. ૫૦૦ લોકોની વસ્તી અને ૨૯૦ થી વધુનું મતદાન છતાં આ ગામને આજદિન સુધી વીજળી મળી નથી.
આ ગામનું નસીબ એવુ વાંકુ છું કે, તે શહેરી વિસ્તારમા આવતું હોવા છતાં અહી લોકોએ લાઈટ જોઈ નથી. તેમાં પણ ઉનાળો આવે એટલે લોકોને બે મહિના કાઢવા આકરા પડે છે, પરંતુ તંત્ર તો કંઈ સમજવા જ માંગતુ નથી.
આ ગામના લોકોએ અસંખ્યવાર પાલિકામાં રજૂઆત કરી છે, છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામા આવે છે. આ બાબત ગૌરવ લેતા ગુજરાત માટે કાળી ટિલ્લી સમાન છે. જો ગુજરાત સરકાર છેવાડાના વિકાસની વાતો કરતુ હોય તો પછી ડામરકામાં વીજળી કેમ નથી પહોંચી.
નાનકડા એવા આ ગામના લોકો કડિયાકામ કે છૂટક મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. મજૂરીકામથી થાકીને આવ્યા બાદ પણ આ ગામના લોકોને પંખાની હવા નસીબ નથી થતી. કહેવાય છે કે, આ મામલે રાધનપુર તાલુકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૧ માં ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૪ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યુજીવીસીએલમાં નાયબ કાર્યપાલક ઈજનરને પત્ર લખી ડામરકા ગામમાં વીજ કનેક્શન આપવા પણ જાણ કરાઈ હતી. તો પછી હજી સુધી કેમ ગામમાં વીજળી નથી આવી. આખરે પાલિકાને કેમ ડામરકાને વીજળી આપવામાં રસ નથી.