ગુજરાતના આ જિલ્લાઓમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે
(એજન્સી)અમદાવાદ, ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમા તેમણે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યુ છે કે, ૧૫ જૂન પહેલા પણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સાત દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે. આજથી આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, પહેલા બે દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમન, દાદરા નગર હવેલી, દાહોદ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રનું વાતાવરણ શુષ્ક રહેશે અને કોઇપણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા નથી. રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમમાથ તથા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ચોથા દિવસે ગાંધીનગર, અરવલી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમમાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગમી પાંચમાં, છઠ્ઠા અને સાતમા દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પાંચમા અને છઠ્ઠા દિવસે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમમાથ, દ્વારકા, દીવમાં વરસાદ થવાની શક્યતા છે. સાતમા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે.