અમદાવાદમાં ચોમાસા દરમિયાન 86 સ્થળે ભુવા-બ્રેકડાઉનની દહેશત
તમામ ઝોનમાં બ્રેક ડાઉન થયેલ, સડી ગયેલ કે ચોકપ થયેલ લાઈનો હોવા છતાં તંત્ર નિષ્ક્રિય
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં એકાદ સપ્તાહમાં વરસાદ ત્રાટકી શકે છે તેવો વર્તારો જણાય છે તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશને કેચપીટ સફાઈ સિવાય કોઈ મહત્વની કામગીરી કરી નથી.
ચોમાસાની સીઝનમાં નાગરિકો એક તરફ વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી ત્રસ્ત થાય છે જયારે બીજી તરફ ભૂવા કે બ્રેકડાઉન થવાના કારણે ભયભીત પણ રહે છે. અમદાવાદ શહેરમાં લગભગ ૮૬ લાઈનો એવી છે કે જેને રિહેબ કરવામાં નહીં આવે તો ભૂવા પડવાની ૧૦૦ટકા શક્યતા છે. મ્યુનિ. ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારી આ બાબત ભલીભાતી જાણે છે તેમ છતાં માત્ર ૮ સ્થળે જ કામ શરૂ કર્યાં છે.
અમદાવાદ શહેરમાં વર્ષો જુની સડી ગયેલી પાઈપ લાઈનોના કારણે ભુવા પડવા કે બ્રેકડાઉનની સમસ્યા સર્જાય છે. ચોમાસાની સીઝન અગાઉ આ તમામ લાઈનોને રીહેબ કરવી જરૂરી છે પરંતુ વોટર રિસોર્સ મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારી હજુ પણ સૃષુપ્ત અવસ્થામાં છે અને ૮૬ પૈકી ૮ લાઈનમાં જ કામ શરૂ કર્યાં છે મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા જે ભયજનક રોડ કે લાઈનોની યાદી તૈયાર કરવામાં આવી કે જયાં બ્રેકડાઉન થયા હતા
તેમાં હિમાલયા મોલથી હેલ્મેટ ચાર રસ્તા, પકવાન ચાર રસ્તાથી કેશવબાગ જંકશન (બે બ્રેક ડાઉન) વિવેકાનંદ સર્કલથી મેમનગર ઓફિસ (બે બ્રેક ડાઉન), રાહુલ ટાવરથી બળીયાદેવ મંદિર (૪ બ્રેક ડાઉન) તેમજ હાલ જે બ્રીજની કામગીરી ચાલી રહી છે તેમાં પણ બ્રેકડાઉન થયું છે.
ટોરેન્ટ ક્રોસીંગથી નાયરા પેટ્રોલપંપ (ત્રણ બ્રેકડાઉન) અંબર ટાવરથી ફતેહવાડી કેનાલ (પ બ્રેક ડાઉન), બોપલ આંબલીથી સાણંદ ચોકડી (૪ બ્રેક ડાઉન), જોધપુર વોર્ડમાં કેશવબાગ (બે બ્રેકડાઉન) જોધપુર વોર્ડમાં જ ડી માર્ટ રોડ પર (બે બ્રેક ડાઉન), વિજયચાર રસ્તાથી સોરભ ચાર રસ્તા રોડ, ભુતબંગલાથી અવની ભવન, અંજલી ચાર રસ્તાથી એપીએમસી રોડ, જુના વાડજ વોર્ડમાં ઔડા વાસ, ભાવસાર હોસ્ટેલ પાસે,
ઈન્ડિયા કોલોની વોર્ડમાં વિકાસ એસ્ટેટ પાસે તથા અનિલ સ્ટાર્ચ રોડ, મણિનગરમાં પુષ્પકુંજ સર્કલથી ભુલાભાઈ ચાર રસ્તા સુધી (ત્રણ બ્રેક ડાઉન) દેડકી ચાર રસ્તાથી હીરાભાઈ ટાવર રોડ પર (ત્રણ બ્રેક ડાઉન), રાજેશ્વરી સોસાયટીથી ઈસનપુર બ્રીજ તરફ (બે બ્રેક ડાઉન) સુરેલીયા રોડથી કડિયાનાકા (બે બ્રેક ડાઉન) તેમજ ઈસનપુરમાં અલોપ બંગલો ટીપી રોડ પર (૧ બ્રેક ડાઉન) અને ચામુંડાનગર કાળી તળાવડી પાસે (૧ બ્રેક ડાઉન) મુખ્ય છે.
આ ઉપરાંત બહેરામપુરા વોર્ડમાં મંગળ વિકાસથી બાબુનગર સુધીની લાઈન વર્ષો જુની હોવાથી ખવાઈ ગયેલ છે. તેવી જ રીતે ખોખરા વોર્ડમાં એપ્રલ પાર્ક મેટ્રો સ્ટેશન સુધી સીલ્વર ફલેટ સુધીની લાઈન ચોકઅપ થઈ ગયેલ છે. દક્ષિણ ઝોનમાં અંદાજે ૧પ સ્થળે આજ પરિસ્થિતિ જોવા મળે છે. તેવી જ રીતે મધ્યઝોનમાં પણ અસારવા વોર્ડમાં ૧, શાહીબાગ વોર્ડ કાનજીનગરથી ડફનાળા તરફ ૩, અસારવા વોર્ડમાં શાહીબાબા મંદિર સુધી ર, એફએસએલ ચાર રસ્તા પાસે ૧, અને જલારામ ખમણ હાઉસ પાસે ૧ બ્રેક ડાઉન થયેલ છે.
મ્યુનિ. કોર્પોરેશન પાસે બ્રેક ડાઉન થયેલ, સડી ગયેલ કે ચોકઅપ થયેલ લાઈનોની યાદી તૈયાર છે તેમ છતાં આ દિશામાં સમયસર કામ કરવામાં આવતું ન હોવાથી ચોમાસામાં મોટા ભુવા પડે છે જેનો ભોગ નાગરિકો બની રહયા છે.