સ્કુલો સીલ થતાં વેકેશન પૂરું થાય ત્યારે શાળાએ જવું કે નહીં તે મામલે વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી
અમદાવાદની સ્કૂલોને સીલ કરાતાં વાલીઓ ટેન્શનમાં
(એજન્સી)અમદાવાદ, રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં હોટલ રેસ્ટોરાં, શાળા, કોલેજ, ટયુશન કલાસ સહિતના સંકુલોમાં ફાયર એનઓસી સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે જેને લઈને ફાયર વિભાગ અને મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતા થયા છે અને શહેરમાં જુદી જુદી ટીમ બનાવીને દોડતી કરાઈ છે.
ફાયર એનઓસી તેમજ બાંધકામની મંજૂરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં આવેલી તમામ ખાનગી સ્કૂલમાં આજે પણ સામૂહિક રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પૈકી કેટલીક સ્કૂલમાં યાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો. સીલિંગની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી. જેમાં વધુ પાંચ શાળાને સીલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
છેલ્લા એક સપ્તાહથી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ફાયર બ્રિગેડની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચની ટુકડી સર્વે કરી રહી છે. હાઈકોર્ટની કડકાઈને કારણે પાલિકાએ સ્કૂલો સીલ કરી છે. સરકાર દરમિયાનગીરી કરે તે માટે મેયર, ડીઈઓ સહિતનું તંત્ર કામે લાગ્યું છે. કેટલાક સંચાલકોએ સ્કૂલોને બે મહિનાનો સમય આપવા અંગે સરકારમાં આ અંગે રજૂઆત કરી છે ત્યારે રાજકોટ અÂગ્નકાંડ બાદ પાલિકાએ સીલ કરેલી સ્કૂલો શરૂ થવા સામે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ૧૩ જૂને વેકેશન પૂર્ણ થશે પરંતુ સીલ થયેલી સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલ ચાલુ થશે કે નહીં તેની કોઈ જાણ નથી.
સાથેસાથે શહેરમાં ચાલી રહેલા ટયુશન કલાક કે જ્યાં પણ ફાયર એનઓસી વગેરેની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી આવા વધુ ટયુશન કલાસને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે જે કાર્યવાહી અવિરત ચાલુ રખાઈ છે.
ઘણા સ્કૂલ સંચાલકો ફાયરના સાધનો મૂકાયા છે કે કેમ તેની સામે લૂલો બચાવ કરતાં કહે છે કે અમે ઈમ્પેકટ ફી ભરી દીધી છે. જો કે, આ બાબત અને ફાયર એનઓસી બન્ને અલગ અલગ બાબત છે. સ્કૂલોના સીલ ખોવા માટે પદાધિકારીઓ પણ સરકાર આ બાબતે દખલગીરી કરે કે રાહત આપે તેવું પરોક્ષ દબાણ લાવી રહ્યા છે પરંતુ વાલીઓનું માનવું છે કે ભણતર થોડા દિવસ બગડશે તો ચાલશે કેમ કે તે કવરઅપ કરી લેવાશે પણ કાંઈ થયું તો બાળકનો જીવ જોખમમાં મૂકવો એ યોગ્ય નથી શાળાઓની જવાબદારી છે કે નિયમોનું પાલન કરે.
અમદાવાદમાં ૪૯થી વધુ શાળા પાસે બીયુ મંજૂરી નથી. પરવાનગી વિનાની શાળાઓ સીલ કરાઈ છે. પ્રશાસન અને શાળાની લડાઈમાં વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવાના કારણે વિદ્યાર્થીઓના હિતમાં સીલ કરાયેલી શાળા બાબતે શાળા સંચાલકોની એક પાર્ટી પ્લોટમાં બેઠક મળી હતી જેમાં શાળાના સંચાલકોએ આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીને લઈને હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે.
એવું જાણવા મળે છે કે ગ્રામ પંચાયત અને નગરપાલિકાના સમયની જે સ્કૂલ બનેલી છે તે કોર્પોરેશનમાં સમાવેશ થયા પહેલાંની મિલકતો છે. આ મિલકતોને પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી જે સમયે તેમની શાળા બની ત્યારે જ નગરપાલિકા વખતે આવો કોઈ પણ નિર્ણય ન હતો જો આ પ્રકારે શાળાઓ સીલ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને નુકસાન થશે. મહાનગરપાલિકા દ્વારા સીલ કરેલી સ્કૂલોને પરિણામ આપવા છૂટછાટ આપવામાં આવી હતી.