ભરૂચ પંથકમાં ભારે વરસાદ વૃક્ષ ધરાશાયી થતાં 3 ના મોત

શુકલતીર્થ રોડ ઉપર ઝાડ રીક્ષા પર પડતા દુર્ઘટના સર્જાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં હજુ ચોમાસાની સીઝનનો પ્રારંભ થયો નથી અને પ્રથમ વરસાદના પ્રારંભે ભરૂચ શહેરી વિસ્તારમાં વાતાવરણ કોરું અને કટ રહ્યું પરંતુ પૂર્વ પટ્ટી વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા પવન સાથે વરસાદ વરસતા ઘટાદાર વૃક્ષ ધસી પડતા બે વાહનો દબાઈ જતાં એક મહિલા અને બે યુવાનના મોત થયા હતા જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે સમગ્ર માર્ગનો વાહન વ્યવહાર થંભી ગયો હતો.
ભરૂચમાં ધોધમાર વરસાદ પૂર્વ પટ્ટી વિસ્તાર એટલે કે ઝાડેશ્વર ચોકડીથી ઝનોર તરફ પવન સાથે વરસયો હતો અને ધોધમાર વરસાદ સાથે પવન ફુકાતા શુકલર્તીથ ગામ નજીક જાહેર માર્ગ ઉપરનું એક વૃક્ષ ધસી પડતા માર્ગ ઉપરથી પસાર થતી ફોર વ્હીલ ગાડી નંબર જીજે ૧૬ બીબી ૪૩૦૮ તથા રીક્ષા દબાઈ જતા કારમાં સવાર તથા રીક્ષામાં સવાર લોકો વૃક્ષની નીચે દબાઈ ગયા હતા.
જે અંગેની જાણ સ્થાનીક રહીશો અને ભરૂચના સામાજીક અગ્રણીને થતાં તેઓ વૃક્ષ કાપના સાધન સાથે પહોંચી ગયા હતા અને વૃક્ષ કાપી કાર અને રીક્ષામાં ફસાયેલા ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવાની કવાયત કરતા સારવાર અર્થે ખસેડેલા અંકલેશ્વરનાં જડકુંડના બે યુવાન હિતેશ હસમુખ પટેલ અને હાર્દિક બાલુ પટેલને ફરજ પરના તબીબીએ મરણ જાહેર કરેલા હતા.
જયારે રીક્ષામાં સવાર દક્ષાબેન ઠાકોરભાઈ વસાવાનું શુકલર્તીથ ભરૂચ રામવાટીકા ખાતે તેમના ઘરે આવતા હતા જેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આમ મૃત્યુ અંક ૩ રહયો હતો જયારે ઈજાગ્રસ્ત પાંચ લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવના પગલે સમગ્ર માર્ગ ઉપર વૃક્ષ ધસી પડતા વાહનોની પણ લાબી કતાર લાગી ગઈ હતી અને સમગ્ર આજુબાજુના ગામના લોકો સહિત સ્થાનિકોએ રોડ ઉપર ધસી પડેલા વૃક્ષને રોડ ઉપર હટાવવાના પ્રયાસો કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની કવાયત કરી હતી.