ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર, પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ
નવીદિલ્હી, દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીની ચપેટમાં છે. સોમવારે સવારે દિલ્હી એનસીઆર પર ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. ધુમ્મસના કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. ૭૦થી વધુ ટ્રેનો મોડી છે. ગાઢ ધુમ્મસના કારણે નવી દિલ્હીથી ૩૦ ટ્રેનો મોડી દોડી રહી છે. દિલ્હીના પાલમમાં વિઝિબિલિટી ઝીરો હોવાના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો પર અસર પડે છે. દિલ્હી એરપોર્ટ પર નોર્મલ ઓપરેશન્સને સસ્પેન્ડ કરાયા છે. ૩ ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ છે. પરંતુ હજુ સુધી કોઈ પણ ફ્લાઈટ કેન્સલ કરાઈ નથી. મુસાફરોને સલાહ અપાઈ છે કે તાજા જાણકારી માટે એરલાન્સ સાથે સંપર્કમાં રહો. દિલ્હીમાં સતત ૧૬ મા દિવસે કોલ્ડવેવની અસર ચાલુ રહી. તેણે ૧૧૮ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ અગાઉ ડિસેમ્બર ૧૯૯૭ માં, દિલ્હીમાં સતત ૧૩ દિવસો માટે ઠંડીનું મોજું રહ્યું હતું.
દિલ્હીમાં સફદરજંગમાં ૨.૬ ડિગ્રી તાપમાન અને પાલમમાં ૨.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અત્રે જણાવવાનું કે હાલ ઉત્તર ભારતમાં ભીષણ ઠંડી પડી રહી છે. રવિવારે દિલ્હીના લોધી રોડમાં ૨.૮ ડિગ્રી સેલ્સિયસ, પાલમમાં ૩.૨ ડિગ્રી અને સફદરજંગમાં ૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયેલું. જે શનિવારથી એક ડિગ્રી વધુ હતું. જો કે હવામાન ખાતાના વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં લોકોને કડકડતી ઠંડીથી નવા વર્ષની પૂર્વસંધ્યાની આસપાસ રાહત મળવાની આશા છે. સ્કાઈમેટ વેધરના હવામાન વૈજ્ઞાનિકોએ પોતાના અનુમાનમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના દિવસ અને રાતના તાપમાનમાં ધીરે ધીરે વધવાની વાત કરી છે.
ઉત્તરભારતમાં ઠંડી બાદ હવે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આ સાથે જ હવાની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટી શકે છે. દિલ્હી, યુપી, હિમાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ૧થી ૩ જાન્યુઆરી સુધી સાંજે વરસાદની શક્યતા તો બીજી જાન્યુઆરીએ હિમવર્ષા થવાની પણ આગાહી રાખવામાં આવી છે. ઠંડીના કારણે ૮ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અન્ય તરફ ઉત્તર પ્રદેશમાં હાલ સુધી ૬૮ લોકો ઠંડીના કારણે મોતને ભેટ્યા છે.
સતત વધતી જતી ઠંડીના કારણે મેદાની વિસ્તારોમાં પણ કડકડતી ઠંડી જોવા મળી રહી છે. રાજસ્થાનના અનેક શહેરોમાં તાપમાન ૫ ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે. લદાખના લેહમાં માઈનસ ૨૦ ડિગ્રી તાપમાન રહ્યું છે. દિલ્હીમાં તાપમાન ૨.૫ ડિગ્રી સુધી પહોચ્યુ હતું. આ સાથે જ હિમવર્ષાના કારણે લેહમાં સિંધુ નદીનું પાણી જામી ગયું છે. ઠંડીના કારણે હરિયાણામાં તમામ શાળા-કોલેજો બંધ રહેશે.