ટેકાનો ભાવ ઓછો મળતાં ઘઉંનો પાક ખુલ્લા માર્કેટમાં વેચવા ખેડૂતો મજબૂર
મોડાસા, અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ૭૦ હજાર હેકટરથી વધુ જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું હું. કમોસમી વરસાદે પણ ઘઉંના પાકને નુકસાન પહોચાડયું હતું ત્યારે મહામહેનતે ખેડૂતોએ ઉછેરેલા ઘઉંનો પાક તૈયાર થયા બાદ સરકારના ટેકાના ભાવે વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો ઘઉંનો પાક ખુલ્લા માર્કેટમાં વેચી રહ્યા છે. ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી ઘઉંનો પાક ટેકાના ભાવે નહિ પરંતુ ખુલ્લા માર્કેટમાં જ વેચી રહ્યા છે તો આ વર્ષે પણ લગભગ ૮પ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ભાવ ન મળતાં એક પણ ખેડૂત ખરીદ કેન્દ્રો ખાતે ઘઉં વેચવા પહોંચ્યો નથી.
સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ર૦ કિલોના રૂપિયા ૪પપ કરતાં પણ ઓછા નિયત કરાયા છે ત્યારે આ ભાવ કરતાં વધુ ભાવ મોડાસાના ખુલ્લા માર્કેટમાં મળી રહ્યા છે. અત્યાર સુધી સૌથી ઉંચો ભાવ રૂ.૮૦૦ પડયો હતો, તો નીચા ભાવ રૂ.૪૯૦ની આસપાસ રહ્યા હતા. જેને લઈને ખેડૂતો ખુલ્લા માર્કેટમાં પોતાના ઘઉં વેચી રહ્યા છે. મોડાસા માર્કેટની વાત કરીએ તો આ વર્ષે ૩ લાખ ૧પ હજાર ૧૬૦ બોરીની આવક થઈ હતી
જે અન્ય માર્કેટ કરતા પણ વધુ છે. આ ઘઉંની આવકમાં હજુ પણ વધારો થઈ શકે તેવી શક્યતા છે. ઘઉંની સીઝનમાં માર્કેટની બંને તરફ ટ્રેકટરની લાઈન લાગતી હોય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં ઘઉં વેચવા પહોંચતા હોય છે સાથે અહીં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવું પડતું નથી
અને પૈસા પણ તાત્કાલીક મળી જતા હોય છે, જયારે ટેકાના ભાવે વેચે તો નંબર આવી જાય તો પૈસા ક્યારે આવે તેની રાહ જોવાની. જેના કારણે ખેડૂતો પોતાના ઘઉંનો પાક ખુલ્લા માર્કેટમાં વેચી રહ્યા છે.
સરકાર જો ખેડૂતોને ટેકાના ભાવ પોષણક્ષમ આપે તો ચોકકસ ખેડૂતો ઘઉંનો પાક ખુલ્લા માર્કેટમાં નહિ પણ ટેકાના ભાવે વેચે પરંતુ રજીસ્ટ્રેશનની જફા અને તાત્કાલિક રૂપિયા મળી જતાં ખેડૂતો ઘઉંનો પાક ખુલ્લા માર્કેટમાં વેચી રહ્યા છે.