યુવતીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ નોટિસ: 25 હજાર દંડ
ગુજરાત હાઈકોર્ટે યુવતીને ૨૫ હજારનો દંડ ફટકાર્યો
(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ નોટિસ ફટકારી. યુવતીએ પોતાની પૂર્વ હોસ્ટેલ રૂમમેટની તસવીર ચોરી લઈ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને તેના પર તસવીર પોસ્ટ કરી.
યુવતી પોતાની રૂમમેટ સામે બદલો લઈ તેની સગાઈ તોડવા માંગતી હોવાથી સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવ્યું. યુવતીના આ કરતૂત પર હાઈકોર્ટે ૨૫ હજારનો દંડ ફટકાર્યો અને આ કાયદાકીય સહાયતા સોસાયટીમાં જમા કરાવવાની રહેશે.
આ ઘટના ત્રણ વર્ષ પહેલાની છે. ઓક્ટોબર ૨૦૨૨માં યુવતીને પોતાની રૂમમેટ સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. જેના કારણે તે તેની સાથે બદલો લેવા માંગતી હતી. યુવતી પોતાની રૂમમેટની સગાઈ તોડવા ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા પુરુષના નામથી એકાઉન્ટ બનાવ્યું અને હોસ્ટેલના વોશરૂમમાં લેવામાં આવેલ કેટલીક તસવીરો શેર કરી હતી.
લાંબા સમય બાદ યુવતીના કથિત કરતૂતનો પર્દાફાશ થતા પીડિતના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આઈપીસીની ધારા ૫૦૭ અને આઈટી એક્ટની ધારા ૬૬(સી) અંતર્ગત ફરિયાદ દાખલ કર્યા બાદ કોર્ટમાં કેસ પંહોચ્યો. અત્યાર સુધી આ મામલો કોર્ટમાં છે. દરમ્યાન હાલમાં આરોપી યુવતીએ અદાલતમાં અરજી દાખલ કરતા કહ્યુ હતું કે, ફરિયાદ કરનાર પરિવારે તેને માફ કરી દીધી છે.