ગાંધીનગર RTOમાં હવે AI આધારિત ટેકનોલોજીની મદદથી ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે
હાલની સર્વર બેઝ ટેકનોલોજીમાં વારંવાર સેન્સર બંધ થઈ જવાની સમસ્યાનો અંત આવશે
ગાંધીનગર, ગાંધીનગર આરટીઓમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિઝન્સ (એઆઈ) બેઝ ટેકનોલોજી સિસ્ટમ ઉપલબ્ધ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેના માટે ખાસ નવો અધ્યતન ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે.
તેમાં જ ફોર અને ટુવ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. રાજયની મોટાભાગની આરટીઓમાં હાલના તબકકે સર્વર બેઝ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ગાંધીનગર આરટીઓમાં પણ આ જુની સિસ્ટમ કાર્યરત છે તેમાં હવે અનેક ખામીઓ વર્તાઈ રહી છે.
નવી ટેકનોલોજી સિસ્ટમ લગાવ્યા બાદ વારંવાર સેન્સર બંધ થઈ જવાની સમસ્યાનો અંત આવશે. એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિડન્સ વીડિયો એનાલિટિક ટેકનોલોજીમાં કોઈનો હસ્તક્ષેપ રહેશે નહીં.
ગાંધીનગર સહિતના રાજયભરના આરટીઓ ખાતે ટ્રેસ્ટ ટ્રેકની સિસ્ટમ જૂની થઈ ગઈ છે. ઘણા સ્થળે તો થિંગડા મારીને કામગીરી ચાલતી હોવાની સ્થિતિ પ્રવર્તે છે તેમાં સોફટવેર સહિતની ખામીઓના કારણે અનેકવાર ટ્રેકની કામગીરી ખોરવાઈ જાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિડન્સ વીડિયો એનાલિટિક ટેકનોલોજીમાં ટ્રેક પર ૧૭ કેમેરા લગાડવામાં આવશે.
જે વ્હીકલની દરેક મુવમેન્ટ પર નજર રાખશે. જેમાં ચાલક નિયમોનું પાલન કરે છે કે નહી, ગાડી કેટલી વખત રિવર્સ થઈ કે આગળ થઈ, ટેસ્ટ દરમિયાન કેટલી વખત ગાડી રોકાઈ ગઈ, વાહનની સ્પીડ સમયમર્યાદામાં ટેસ્ટ પૂર્ણ થયો છે કે નહી, આ તમામ બાબતો નવી સિસ્ટમમાં સહેલાઈથી પકડાઈ જશે. સર્વર બેઝ ટેકનોલોજીમાં કોઈ સેન્સર ડિટેકટર ન થાય, અધવચ્ચે સર્વર બંધ થઈ જાય તો અરજદારને ફરીથી ટેસ્ટ આપવાની ફરજ પડે છે.
જોકે એઆઈ બેઝ વિડિયો એનાલિટિક ટેકનોલોજીમાં આ પ્રકારની કોઈ સમસ્યા નહીં. હવે આચારસંહિતા પૂર્ણ થતાં થોડા દિવસોમાં કામગીરી શરૂ થાય તેવી શક્યતા છે. જેમાં સૌ પ્રથમ ગાંધીનગર આરટીઓ ખાતે નવી સિસ્ટમ સાથે ટ્રેક તૈયાર થશે. જે બાદ બાકીની અંદાજે ૩૯ જેટલી આરટીઓ-એઆરટીઓ ખાતે વીડિયો એનાલિટિક ટેકનોલોજી બેઝ ટ્રેક સિસ્ટમ કાર્યરત કરાશે. હાલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ચંદીગઢ, પુણે, દિલ્હી જેવા શહેરોમાં થઈ રહ્યો છે.