વરસાદમાં પલળેલો માલ લેવા ગયેલા વેપારી દંપતી પર ત્રણ લોકોનો હુમલો
(એજન્સી)અમદાવાદ, શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં ગઈકાલે માતા-પુત્રી સહિત ત્રણ લોકોએ ભેગા મળી વેપારી દંપતી પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. હોલસેલ કપડાંનો ધંધો કરતાં દંપતીએ તેમના ગ્રાહકને માલ વેચવા માટે આપ્યો હતો.
ગ્રાહકે રેડિમેડ કપડાનો માલ વેચવાની જગ્યાએ તેને ઘર બહાર મૂકી દીધો હતો. જેના કારણે તે વરસાદમાં પલળી ગયો હતો. દંપતી ગઈ કાલે પોતાનો માલ પરત લેવા માટે ગયા ત્યારે ગ્રાહકની પત્ની, દીકરી અને મિત્રએ ભેગા મળી દંપતી પર હુમલો કરી દીધો હતો.
મિરઝાપુર વિસ્તારમાં આવેલા પ્રાઈમ સેન્ટરમાં રહેતા આબેદા શેખે શાહપુર પોલીસ સ્ટેશનમાં આબેદા શેખ, ફાતિમા શેખ અને જાવેદ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. આબેદા અને તેના પતિ હોલસેલમાં કપડાનો ધંધો કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે બપોરના ચાર વાગ્યાની આસપાસ આબેદા તથા તેના પતિ સાબીરહુસૈનને ગ્રાહક ઈરફાન અયુબભાઈ શેખ (રહે.દિલ્હી દરવાજા) મહિલાની ટી-શર્ટ, ટોપ વગેરે માલ વેચવા માટે આપ્યો હતો. રેડિમેડ કપડાંનો જથ્થો આપી દીધા બાદ સાબીરહુસૈને અવારનવાર ગ્રાહક ઈરફાનને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉઠાવ્યો નહીં.
ઈરફાને ફોન નહીં ઉઠાવતા અંતે સાબીરહુસૈન અને તેની પત્ની આબેદા તેમના ઘરે ગયા હતા. ઘરે પહોંચતાની સાથે જોયું તો સાબીરહુસૈન અને આબેદાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દંપતીએ ધંધો કરવા માટે ઈરફાનને આપેલો રેડિમેડ કપડાનો જથ્થો ઘર બહાર પડયો હતો.
ઈરફાન ઘરે હાજર હતો નહીં જ્યારે વરસાદના કારણે કપડાનો જથ્થો પલળી ગયો હતો. દંપતીએ ઈરફાનની પત્ની આબેદાને કહ્યું હતું કે, તે ફોન ઉપાડતા નથી અને રૂપિયા પણ આપતાં નથી જેથી અમે માઈ લઈને જઈએ છીએ.
આબેદાએ દંપનીને ગાળો આપી હતી. ઈરફાનની દીકરી ફાતિમા પણ આવી ગઈ હતી અને તેણે મારામારી શરૂ કરી હતી. આબેદા અને ફાતિમા મારઝૂડ કરી રહ્યા હતા ત્યારે ઈરફાનનો મિત્ર જાવેદ આવી પહોંચ્યો હતો જ્યાં તેણે પણ સાબીરહુસૈનને માર માર્યો હતો.
આ ઘટનામાં બૂમાબૂમ થઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દંપતીને બચાવ્યા હતા. આબેદા અને સાબીરને માર મારતા તેમણે તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. આબેદાએ આ મામલે આબેદા, ફાતિમા અને જાવેદ વિરૂદ્ધ ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.