ચાંદખેડામાં ૯ એસીની ચોરી કરનારા બે યુવક ઝડપાયા
અમદાવાદ, અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડાઓના દૂષણ સાથે ચોરી અને લૂંટની ઘટનાઓ પણ સતત વધતી જઇ રહી છે. ત્યારે જ ચાંદખેડાના એક ગોડાઉનમાંથી ૯ એસી ચોરી જનારા બે યુવકોને ચાંદખેડા પોલીસે ઝડપી લઇ તમામ એસી કબજે લીધા છે.
આ યુવકો ઉનાળામાં એસીની ખૂબ જ માગ હોવાથી એસી ચોરીને વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે તેમને ઝડપી લીધા છે. ચાંદખેડા પોલીસ ઇન્સ્પેકટર નિકુંજ સોલંકી અને સબ ઇન્સ્પકેટર વી.જી.ડાભીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે સ્થાનિક વિસ્તારનો એક યુવક કે જેણે એસીની ચોરી કરી છે તે ફરી રહ્યો છે અને તેણે ચોરીના એસી ચાદખેડા વિસત માતાના વાસ ખાતે મૂક્યા છે.
પોલીસે તરત જ તેને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતાં તેનું નામ રોહિત રમેશભાઇ પરમાર(રહે. વિસત માતાનો માઢ, ચાંદખેડા અમદાવાદ) હોવાનું જાણી શકાયું હતું અને તેના ઘરે તપાસ કરતાં પોલીસે ચાર એસી મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે એવી કબૂલાત કરી હતી કે બાકીના પાંચ એસી તેના મિત્ર સુધીર અમૃતલાલ રાઠોડ નિકોલના ઘરે મૂકેલા છે.
જેને પગલે પોલીસે સુધીરના ઘરેથી પાંચ એસી કબજે લીધા અને તેને પણ ઝડપી લીધો હતો. તેમની પૂછપરછમાં એવી વિગતો સામે આવી હતી કે તેમણે ઉનાળામાં એસીની માગ વધારે હોય છે માટે તેમણે ચાંદખેડા નિગમનગર ખાતેના ગોડાઉનમાંથી એસી ચોરી લીધા હતા અને વેચવાની ફિરાકમાં ફરતા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા.SS1MS