કુરિયરમાં પાસપોર્ટ અને ડ્રગ્સ છે કહી દંપતી સાથે ૪.૮૧ લાખની છેતરપિંડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Fraud-1024x768.jpg)
અમદાવાદ, એક તરફ સાયબર ક્રાઇમને રોકવા માટે પોલીસ દ્વારા સતત જાગૃતિ માટે પ્રયાસ કરાઇ રહ્યા છે બીજી તરફ સાયબર ગઠિયા નિર્દાેષ લોકોને કેસ કરવાના જાસા આપીને ઠગાઇ કરવાની તક ચૂકતા નથી.
આવો જ એક કિસ્સો ખોખરા પોલીસ મથકે નોંધાયો છે જેમાં દંપતીને મુંબઇ એરપોર્ટ પર ડ્રગ્સ સાથેનું કુરિયર જપ્ત કરાયું છે અને સીબીઆઇ દ્વારા કેસ કરવામાં આવશે એવી ધમકી આપીને અલગ અલગ રીતે રૂપિયા ૪.૮૧ લાખ જેટલી માતબર રકમ ખંખેરી લીધી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મણીનગર પૂર્વમાં રહેતાં રિચર્ડ મેકવાન ઇમિગ્રેશન કામકાજ સાથે સંકળાયેલા છે અને એમના પત્ની નીતુસિંગ પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ૨૧ માર્ચે રિચર્ડના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. જેમાં ફેડએક્સ કુરિયર કંપનીમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી અને કહ્યું કે, થાઇલેન્ડમાં કુરિયર મોકલ્યું હતું જે રિજેક્ટ થયું છે. આ કુરિયર મુંબઇ એરપોર્ટ ખાતે જમા લેવામાં આવ્યું છે.
કુરિયરમાં પાંચ પાસપોર્ટ, ત્રણ ક્રેડિટ કાર્ડ, ચાર કિલો કપડાં તથા એક લેપટોપ તેમજ ૧૪૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું છે. જોકે, રિચર્ડે આવું કોઇ કુરિયર કે પાર્સલ તેમણે મોકલ્યું નથી એમ કહેતાં સામે બોલનારે ધમકી આપી હતી કે હવે તમારો નંબર સાયબર ક્રાઇમમાં ટ્રાન્સફર કરીશ. તેણે ફરીથી પોતાની ઓળખ મુંબઇ સાયબર ક્રાઇમ અને સીબીઆઇના અધિકારી તરીકે આપીને ધમકાવ્યા હતા.
રિચર્ડ પાસેથી કોઇ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં ગઠિયાઓએ એમના પત્નીને ફોન કરી ધમકાવી બેંકની વિગતો મેળવી હતી. એટલું જ નહીં મેકવાન દંપતીને ઓનલાઇન કસ્ટડીમાં રાખવાની ધમકી આપી પહેલાં રૂપિયા ૯૧ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.
ગભરાયેલા મેકવાનના પત્નીને અલગ અલગ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરાવીને અમુક પૈસા સીધા ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. સાયબર ગઠિયાઓએ રિચર્ડના પત્નીના એકાઉન્ટમાં નાણાં પૂરા થઇ જતાં પર્સનલ લોન લેવા ફરજ પાડી હતી.
આ લોનના પૈસા પણ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી કુલ રૂપિયા ૪.૮૧ લાખની રકમ ખંખેરી લીધી હતી.આખરે નીતુસિંગે તેની માતાને વાત કરતાં છેતરપિંડી થઇ હોવાનું જણાતા તેણે તુરત જ પતિ રિચર્ડને સમગ્ર હકીકત જણાવી હતી. આખરે મહિલાએ સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. સમગ્ર છેતરપિંડીની વિસ્તૃત ફરિયાદ ખોખરા પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.SS1MS