મ્યુનિ. કમિશ્નરે ઉત્તર-મધ્ય ઝોનના અધિકારીઓને આડે હાથે લીધા
કેચપીટ સફાઈનો બીજો રાઉન્ડ પણ કેટલાક ઝોનમાં શરૂ થયો નથી જેના કારણે ગટરના ઢાંકણા નીચે દબાવવામાં આવેલ પ્લાસ્ટિક પણ હજી યથાવત જોવા મળી રહયા છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાનું આગમન થઈ ચુકયું છે તેમ છતાં કોર્પોરેશનના પ્રિમોન્સુન એકશન પ્લાનની કામગીરી હજી સુધી પુરી થઈ શકી નથી જેના કારણે મ્યુનિ. કમિશ્નરે વીકલી રિવ્યુ મીટીંગમાં આસિસ્ટન્ટ કમિશ્નરોને આડા હાથે લીધા હતાં.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસા અગાઉ તૈયાર કરવામાં આવેલા પ્રિમોન્સુન એકશન પ્લાનની કામગીરી ૩૧મી મે સુધી પૂર્ણ કરવાની રહે છે પરંતુ ચાલુ વર્ષે હજી સુધી આ કામગીરી પુરી થઈ નથી. કેચપીટ સફાઈનો બીજો રાઉન્ડ પણ કેટલાક ઝોનમાં શરૂ થયો નથી જેના કારણે ગટરના ઢાંકણા નીચે દબાવવામાં આવેલ પ્લાસ્ટિક પણ હજી યથાવત જોવા મળી રહયા છે.
ખાસ કરીને દક્ષિણ ઝોનમાં પ્રિ મોન્સુનની કામગીરી ખૂબજ મંથર ગતિએ ચાલી રહી છે જેથી ઝોનલ ડેપ્યુટી કમિશ્નર પર કમિશનર આકરા થયા હતા તેવી જ રીતે ઉત્તર અને મધ્ય ઝોનના અલગ અલગ વોર્ડમાં કામગીરી સંભાળતા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરોની નિષ્ક્રિયતાના કારણે પણ કમિશ્નરને તેમને આડા હાથે લીધા હતા.
ઝોનમાં તૂટેલી ફુટપાથ, રોડ પર પડી રહેલા મશીનો, પ્રિમોન્સુનની ધીમી કામગીરી, તૂટેલા ગટરના ઢાંકણા, સીસીઆરએસની રિ ઓપન થતી ફરિયાદો વગેરે મામલે આ બંને ઝોનના આસિસ્ટન્ટ કમિશ્નરો કોઈ જવાબ આપી શકયા ન હતા તેથી કમિશનરે સ્પષ્ટ સંભળાવ્યુ હતું કે સત્તા લેવા માટે બધા દોડી આવ્યા હતા હવે જવાબદારી સંભાળવાની આવી છે ત્યારે કામ થતા નથી.