ઓડિશાના મુખ્યમંત્રી પદે મોહન માઝીએ શપથ લીધા
(એજન્સી)ભુવનેશ્વર, આંધ પ્રદેશમાં બુધવારે ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મોહન ચરણ માઝીએ ભુવનેશ્વરના જનતા મેદાનમાં ઓડિશાના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. તેમજ કેવી સિંહદેવ અને પ્રવતી પ્રવિદા નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા.
આ દરમિયાન વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓ તેમજ પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર રહ્યા હતા.
મોહન ચરણ માઝી ઓડિશાની કેઓંઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આ સીટ પર બીજુ જનતા દળના મીના માંઝીને હરાવ્યા હતા. મોહન ચરણ માંઝીને ૮૭,૮૧૫ વોટ મળ્યા જ્યારે મીના માઝીને ૭૬,૨૩૮ વોટ મળ્યા અને મોહન માઝી ૧૧,૫૭૭ વોટથી જીત્યા. મોહન ચરણ માઝી ચાર વખત ધારાસભ્ય છે.
તાજેતરમાં યોજાયેલી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલીવાર બહુમતી સાથે જીત મેળવી છે. ૪ જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ૧૪૭માંથી ૭૮ બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. નવીન પટનાયકની બીજેડીએ ૫૧, કોંગ્રેસને ૧૪, સીપીઆઈએમને ૧ અને અન્યને ૩ બેઠકો મળી છે.