‘તું પોલીસમાં છે તો શું થયું’ કહીને ત્રણ શખ્સોએ પોલીસ કર્મચારીને ફટકાર્યાે
નવી દિલ્હી, શહેરના નરોડા વિસ્તારમાં આવેલ હંસપુરા સર્કલ પાસે પોલીસ કર્મચારીએ બાઇક સરખું ચલાવવા ત્રણ વ્યક્તિને ઠપકો આપતા મામલો બિચક્યો હતો.
ત્યારે ત્રણે બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યાે હતો. આટલું જ નહિ પોલીસકર્મીએ પોતે પોલીસમાં હોવાની ઓળખ આપી તેમ છતા ત્રણએ તું પોલીસમાં છે તો શું થયું કહીને ફટકાર્યાે હતો. આ અંગે પોલીસકર્મીએ નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરના દસક્રોઇ તાલુકાના ભુલાવડી ગામમાં રહેતા જયદેવસિંહ ઝાલા શહેરમાં હેડ ક્વાર્ટસ એફ-૭ કંપનીમાં આર્મ લોકરક્ષક તરીકે નોકરી કરે છે. હાલ તેઓ શાહીબાગ જજના બંગ્લા પર ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જયદેવસિંહ ગત ૧૦ જૂને નોકરી પર હાજર હતા.
આ દરમિયાન તેમને એક કામ આવી જતા તેઓ પોતાનું ટુ-વ્હીકલ લઇને ભુલાવડી તેમના ફોઇના ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે તેઓ નોકરી પર પરત આવતા હતા. ત્યારે હંસપુરા બ્રિજ પાસે પહોંચ્યા તે સમયે એક બાઇક પર ત્રણ શખ્સો જતા હતા અને બાઇક આડું અવળુ ચલાવતા હતા.
જેથી પોલીસકર્મીએ બાઇકની બાજુમાં જઇને ત્રણેય શખ્સોને ધીમેથી અને કોઇને નુકસાન ન થાય તે રીતે ચલાવવાનું કહેતા શખ્સોએ બિભત્સ ગાળો બોલીને જતા રહ્યા હતા. ત્યારે હંસપુરા સર્કલ પોલીસકર્મી પહોંચ્યા તે સમયે ત્રણેય શખ્સો ત્યાં ઊભા હતા અને પોલીસકર્મીને ઊભો રાખ્યો હતો. જે બાદ ત્રણેય શખ્સોએ તારે શું હતું હમણા રસ્તામાં કેમ બોલતો હતો કહીને ઝઘડો કર્યાે હતો.
જેથી પોલીસકર્મીએ પોતે પોલીસમાં છે તેવી ઓળખાણ આપીને તમે જે રીતે બાઇક ચલાવો છો તેનાથી કોઇને નુકસાન થાય તેવી સમજણ આપી હોવા છતાં ત્રણેય શખ્સોએ તું પોલીસમાં છે તો શું થયું કહીને પોલીસકર્મીને ફટકાર્યાે હતો.
બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા પોલીસકર્મીને છોડાવ્યો હતો અને ત્યાંથી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. આ અંગે પોલીસકર્મીએ ત્રણેય શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.SS1MS