Western Times News

Gujarati News

એક લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક કરાશે

નવીદિલ્હી: ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતોને ધ્યાનમાં લઇને સરકાર પહેલાથી જ કિંમતોને કાબૂમાં લેવા તમામ પ્રયાસોમાં લાગી ગઈ છે. નવા વર્ષ ૨૦૨૦માં આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટેના પ્રયાસો અત્યારથી જ શરૂ કરવામાં આવ્યા છે. નવા વર્ષમાં સરકાર એક લાખ ટન ડુંગળી માટે બફર સ્ટોક બનાવવા માટે તૈયાર થઇ રહી છે. કેન્દ્ર સરકારે ડુંગળીના બફર સ્ટોકને વધારીને બે ગણો કરી એક લાખ ટન સુધી બનાવવાનો નિર્ણય લીધો છે.

વરિષ્ઠ અધિકારીએ આ અંગેની માહિતી આપતા આજે કહ્યું હતું કે, સરકારે ચાલુ વર્ષમાં ડુંગળી માટે ૫૬૦૦૦ ટન બફર સ્ટોક તૈયાર કર્યો છે પરંતુ આ વધતી કિંમતોને રોકવા માટે નિષ્ફળ છે. આવી સ્થિતિમાં  ડુંગળીના બફર સ્ટોકને નવા વર્ષમાં ડબલ કરવાની તૈયારી કરવામાં આવી છે. ડુંગળીની કિંમત હાલમાં મોટાભાગના રાજ્યોમાં આસમાને છે.

મોટાભાગના શહેરોમાં કિંમત પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાથી ઉપર છે. પરિણામ સ્વરુપે સરકારને જાહેર ક્ષેત્રની એમએમટીસી મારફતે ડુંગળી આયાત કરવા માટે ફરજ પડી છે. આની સાથે જાડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પ્રધાનમંડળના ગ્રુપની બેઠકમાં આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

સાથે સાથે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આગામી વર્ષ માટે આશરે એક લાખ ટનના બફર સ્ટોકને તૈયાર કરવામાં આવશે. સરકાર તરફથી બફર સ્ટોક રાખનાર સંસ્થા નાફેડ આગામી વર્ષે આ જવાબદારી અદા કરવા માટે તૈયાર છે. નાફેડ માર્ચ-જુલાઈના ગાળા દરમિયાન રવિ સિશનમાં થનાર ડુંગળીની ખરીદી કરનાર છે.

આ ડુંગળીની અવધિ વધારે રહે છે જ્યારે ખરીફ સિઝનમાં પેદા થતી દરેક ક્ષેત્રમાની ડુંગળીને લઇને હાલમાં નુકસાન થયું છે. મોનસુની વરસાદ અને મોડેથી કમોસમી વરસાદના પરિણામ સ્વરુપે આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ૨૬ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. આની અસર કિંમતો ઉપર પણ થઇ રહી છે. સરકારે ડુંગળીની કિંમતમાં ઝડપથી અંકુશ મુકવા માટે વિવિધ પગલા લીધા છે.

આમા નિકાસ ઉપર અંકુશ, વેપારીઓ ઉપર ભંડાર મર્યાદા ઉપરાંત બફર સ્ટોક તથા આયાત મારફતે સસ્તી કિંમતમાં ડુંગળીના વેચાણ જેવા મુદ્દા સામેલ છે. સરકારની પાસે જે બફર સ્ટોક હતો તે હવે ખતમ થઇ ચુક્યો છે. સસ્તા દરે ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે હવે આયાત કરવામાં આવતા ડુંગળીના જથ્થાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. હવે મોટાભાગના શહેરોમાં ડુંગળીની કિંમતો ૧૦૦ રૂપિયા કિલોની આસપાસ પહોંચી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.