અજાણ્યો શખ્સ મેયર બંગલાના ચોકીદારની દીકરીનું અપહરણ કરીને ફરાર થઈ ગયો
ગાર્ડની દીકરી અને પત્ની વેકેશન મનાવવા માટે રાજસ્થાનથી આવ્યાં હતાં-મેયર બંગલામાં રહેતા સિકયોરિટી ગાર્ડની દીકરી રહસ્યમય રીતે ગૂમ
(એજન્સી)અમદાવાદ, શહેરના મેયર બંગલામાં રહેતા સિકયોરિટી ગાર્ડની સગીર વયની દીકરી રહસ્યમય રીતે ગુમ થતાં ચકચાર મચી ગઈ છે. સિકયોરિટી ગાર્ડની પત્ની અને દીકરી વેકેશન મનાવવા માટે અમદાવાદ આવ્યા હતા જ્યાંથી તે ગુમ થયા છે. સિકયોરિટી ગાર્ડ બંગલાની ચોકીદારી કરતા હતા ત્યારે મોડી રાતે અજાણ્યો શખ્સ તેની દીકરીનું અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લા ગાર્ડન ખાતે આવેલા મેયર બંગલામાં સિકયોરિટી ગાર્ડ તરીકે રહેતા હીરાલાલ મીણાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી છે. અમદાવાદની મેયર પ્રતિભા જૈનના બંગલામાં હીરાલાલ મીણા છેલ્લા ૧૯ વર્ષથી સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી સિકયોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
આખો દિવસ બંગલાનું કામ કર્યા બાદ રાતના ૧૧થી સવારના સાત વાગ્યા સુધી તે સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. હીરાલાલનો પરિવાર રાજસ્થાનના સાકરખૈયા ખાતે રહે છે. હીરાલાલના પત્ની કમલાબહેન ખેતીકામ કરે છે જ્યારે ૧૩ વર્ષીય દીકરી રેણુકા ધો.૯માં અભ્યાસ કરે છે. ઉનાળાનું વેકેશન હોવાથી કમલાબેન તેમજ રેણુકા અમદાવાદ પતિ પાસે રહેવા માટે આવ્યા હતા.
મેયર બંગલામાં હીરાલાલ માટે એક ઓરડી બનાવી છે. જેમાં કમલાબહેન તેમજ રેણુકા પણ રહેતા હતા. તા.૭ જૂનના રોજ રાતના બાર વાગ્યા સુધી કમલાબહેન, રેણુકા અને હીરાલાલ બંગલાના ગેટ પાસે બેઠા બેઠા વાતો કરતા હતા. વાતો કર્યા બાદ કમલાબહેન તેમજ રેણુકા પોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. જ્યારે હીરાલાલ ગેટ ઉપર ડયુટી નિભાવતા હતા.
વહેલી પરોઢે હીરાલાલ બાથરૂમ કરવા માટે ગયા ત્યારે તેમની ઓરડીનો દરવાજો ખુલ્લો હતો. ઓરડી બહાર રેણુકાના બૂટ ગાયબ હતા. જેથી તેમણે અંદર જઈને જોયું હતું, રેણુકા રૂમમાં નહીં હોવાથી હીરાલાલે તેમના પત્ની કમલાબહેનને ઉઠાડયા હતા. કમલાબહેન તેમજ હીરાલાલે આસપાસમાં શોધખોળ કરી, પરંતુ રેણુકા મળી આવી નહીં ?
હીરાલાલે અમદાવાદમાં રહેતા તેન સગા-સંબંધીઓને પણ ફોન કરીને પૂછપરછ કરી પરંતુ રેણુકાનો કોઈ પત્તો લાગ્યો નહીં. આ સિવાય હીરાલાલે રાજસ્થાનમાં તેમના ઓળખીતા સાથે વાતચીત કરી હતી પરંતુ તે નહીં મળી આવતા અંતે તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
નવરંગપુરા પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે રેણુકા કોઈ યુવક સાથે જતી રહી છે કે પછી કોઈ અજાણ્યા શખ્સે બંગલા પ્રિ-માઈસીસમાં ઘૂસીને અપહરણ કર્યું છે. પોલીસે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.