Western Times News

Gujarati News

અમદાવાદના તમામ અંડરપાસમાં પાણી ભરાશેઃ મ્યુનિ.તંત્રનો દાવો

File Photo

રૂ.એક કરોડના ખર્ચથી ૧૮ અંડરપાસ માં પમ્પ મૂકાશેઃ બાકી ૧૦ ભગવાન ભરોસે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા ટ્રાફિક સરળતા માટે અંડરપાસ બનાવવામાં આવે છે. ખાસ કરીને જ્યાં રેલ્વે લાઈનો પસાર થતી હોય ત્યાં અંડરપાસ બનાવવા જરૂરી બને છે. પરંતુ આ અંડરપાસ ચોમાસા ની સિઝન દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન અને નાગરિકો માટે શિરદર્દ બની રહે છે. તેમજ માત્ર એકાદ ઇંચ વરસાદમાં જ મોટાભાગના અંડરપાસ જળબંબાકાર થઈ જાય છે જેના કારણે ટ્રાફિક અવરજવર બંધ કરવી પડે છે.

ચાલુ વરસે પણ ચોમાસામાં મોટાભાગના અંડરપાસ માં પાણી ભરાશે તેવી દહેશત હોવાથી તંત્ર ઘ્‌વારા રૂ.એક કરોડ કરતા વધુ રકમના ખર્ચથી પાણી નિકાલ માટે પમ્પ મૂકવામાં આવશે.

અમદાવાદ શહેરમાં વરસાદના કારણે તમામ ૨૮ જેટલાં અંડરબ્રિજોમાં પાણી તો ભરાશે તેવો સ્પષ્ટ દાવો મ્યુનિ.સત્તાધીશો અને ઈજનેર વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. તેમજ જો સામાન્ય વરસાદ દરમ્યાન તમે ત્યાંથી પસાર થશો તો તેની જવાબદારી તમારી જ રહેશે. શહેરમાં આવેલા અંડરબ્રિજોમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. ૧.૧૪ કરોડના ખર્ચે પંપ મૂકવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૮ અંડરબ્રિજની જગ્યાએ માત્ર ૧૮ અંડરબ્રિજમાં જ પંપ મૂકવામાં આવ્યા છે. બાકીના અંડરબ્રિજમાં પંપ ન મૂકવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ થશે કે કેમ? તેની જાણકારી ચોમાસામાં જ મળશે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૧૮ જેટલા અંડરબ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા છે. જ્યારે બાકીના અંડરબ્રિજ ઔડાની હદના હોવાથી ત્યાં પંપ મૂકવામાં આવ્યા નથી.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં આવેલા તમામ અંડરપાસ અંગેની જાહેર ચેતવણી આપવામાં આવી છે, જેમાં શહેરમાં કુલ ૨૮ જેટલા અંડરબ્રિજ આવેલા છે. જોકે, સત્તાધીશો ઘ્‌વારા માત્ર ૧૮ અંડરપાસમાં પાણીના નિકાલ માટે પંપ મૂકવા માટેની દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૧.૧૪ કરોડના ખર્ચે પંપ મૂકવામાં આવશે અને ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટર ની રહેશે.

એક તરફ શહેરના તમામ અંડરબ્રિજમાં પાણી ભરાય ત્યારે વાહનો નો ઉપયોગ ન કરવો તેની જાહેર ચેતવણી માં કુલ ૨૮ જેટલા અંડરબ્રિજ હોવાનું કહેવામાં આવ્યું છે પરંતુ કોર્પોરેશન દ્વારા માત્ર ૧૮ જેટલા જ અન્ડરબ્રિજમાં વોટર પંપ મૂકવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા સ્ટેડિયમ અંડરપાસ, ઉસ્માનપુરા , અખબારનગર ,નિર્ણયનગર, મણીનગર (દક્ષિણી), પરીમલ , પાલડી મહાલક્ષ્મી તરફ અને પરિમલ ગાર્ડન,

કુબેરનગર,મીઠાખળી, મીઠાખળી પેડીસ્ટ્રેન (ગાંધીગ્રામ) તેમજ અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર આવેલા ૯ અંડરબ્રિજમાં પમ્પ મૂકવામાં આવશે. અત્રે નોંધનીય છે કે અંડરપાસ માં ભરાતા પાણીની સમસ્યાઓથી ત્રસ્ત થઈ ભૂતકાળમાં નવા અંડરપાસ બનાવવા માટે પણ વિચારણા થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.