રિવરફ્રન્ટ ખાતે 2500 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/chitra-spardha-2-1024x682.jpeg)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ-સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ રહ્યા ઉપસ્થિત
મુખ્યમંત્રીશ્રીએ સ્પર્ધકો પાસે જઈ તેમણે કંડારેલાં ચિત્રો નિહાળી અભિનંદન આપ્યા
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ સ્પર્ધકો પણ સામેલ હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પર્ધકો પાસે જઈ તેમણે કંડારેલાં ચિત્રો નિહાળી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
યુવારન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ચિત્ર સ્પર્ધા ચાર ગ્રૂપમાં યોજાઇ હતી. જેમાં પ્રથમ ગ્રૂપમાં 7થી 11 વર્ષનાં બાળકો, બીજા ગ્રૂપમાં 12થી 17 વર્ષનાં બાળકો, ત્રીજા ગ્રૂપમાં 18થી 25 વર્ષનાં બાળકો અને ચોથા ગ્રુપમાં 26થી વધુ વર્ષના લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક ગ્રૂપમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને આકર્ષક રોકડ પુરસ્કાર તેમજ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને રૂ. 11,000, દ્વિતીય નંબર પ્રાપ્ત કરનારને રૂ. 5500 અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને રૂ. 2500નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, મ્યુનિ. પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, યુવારન ફાઉન્ડેશનના શ્રી હરેશ કૈલા તથા મોટી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.