ઑગસ્ટ-૨૦૨૪માં નિ:શુલ્ક શિખર આરોહણ અભિયાનનું આયોજન

રાજ્યના ૧૮ થી ૪૫ વર્ષના વયજુથ ધરાવતા તાલીમાર્થીઓ અભિયાનમાં જોડાઈ શકશે
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તક કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઑગસ્ટ-૨૦૨૪માં નિ:શુલ્ક શિખર આરોહણ અભિયાનનું આયોજન થનાર છે.
જેમાં રાજ્યના ઈચ્છુક ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે. તેમ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની યાદીમાં જણાવાયુ છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, શિખર આરોહણમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજી પત્રક માં અરજી કરવાની રહેશે. (નિયત અરજી પત્રક સંસ્થાના ફેસબુક પેજ:- svim administration પરથી મેળવી શકાશે). જેમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મતારીખ, ઈ-મેઈલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત (ધોરણ -૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ) વગેરે દર્શાવવાનું રહેશે.
તદઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતી, જન્મ અને રહેઠાણનો પુરાવો, ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં ભાગ લીધા અંગેનું પ્રમાણપત્ર, બરફના બેઝિક, એડવાન્સ, S&R તથા M.O.I કોર્ષનુ પ્રમાણપત્ર (ઓછામાં ઓછો બરફનો બેઝિક કોર્ષ હોવો આવશ્યક છે.)
વધુમાં માઉન્ટ આબુ/જુનાગઢ ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન માનદ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેના પ્રમાણપત્રો જોડવાના રહેશે. સંપુર્ણ વિગતો સાથેની અરજી આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ ને સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તથા શારીરિક ક્ષમતા કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. શારીરિક ક્ષમતા કસોટી અંદાજીત ૦૩ જુલાઈ ૨૦૨૪ ના રોજ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત, ગુણવત્તા તથા શારીરિક ક્ષમતા કસોટીના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને શિખર આરોહણ સમયે તેમના વતનથી માઉન્ટ આબુ સુધી આવવા-જવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ આપવામાં આવશે
જ્યારે નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને ઈ-મેઈલ દ્વારા જાણ કરાશે તેમ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની યાદીમાં જણાવાયુ છે.