નરોડામાં ત્રણ ફલેટના તાળા તૂટ્યા
પોલીસ અધિકારીઓમાં દોડધામઃ સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં તસ્કરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે રોજ જુદા જુદા વિસ્તારમાં આ ટોળકીઓ ત્રાટકી પોલીસ તંત્રને પડકાર ફેકી રહી છે. શહેરના નરોડા વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં ત્રણ ફલેટના તાળા તૂટતા નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચોરીની વધતી જતી ઘટનાઓથી નાગરિકો અસલામતીની લાગણી અનુભવી રહયા છે તસ્કરો અને લુંટારુઓ બેફામ બની જતાં ચોરી અને લુંટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે. ગઈકાલે શહેરના નરોડા વિસ્તારમાં આવેલા મુઠીયા- રણાસણ ફ્રુટ પ્લાઝા પાસે આવેલ મારૂતી હાઈટ્સમાં ડી બ્લોકમાં રહેતા અને ૧૦૮ માં ફરજ બજાવતા મિતેષભાઈ પટેલ પરમ દિવસે સામાજીક પ્રસંગે બહારગામ ગયા હતા.
આ સમયે તેમના પાડોશીએ તેમને ફોન કરી તેમના ઘરમાં ચોરી થયાની જાણ કરી હતી જેના પગલે મિતેષભાઈ અને તેમના પત્ની પરત ફર્યાં હતા અને ઘરનુ તાળુ તુટેલુ જાવા મળ્યુ હતું ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ તેમણે નોંધાવી હતી. પોલીસે પણ આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાનમાં આ જ બ્લોકમાં વધુ ફલેટના તાળા તુટ્યાનું બહાર આવતા સ્થાનિક નાગરિકોમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો.
ડી- પ૦૯ માં રહેતા મિતેષભાઈ પટેલે ચોરીની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ બાદ આ જ બ્લોકની અંદર ૬૦ર અને ર૦૮ નંબરના ફલેટમાં પણ તાળા તુટયાનું ખુલ્યુ હતું ડી બ્લોકમાં આવેલા વધુ બે ફલેટના તાળા તુટેલા જાવા મળતા જ નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં સૌ પ્રથમ એક ફલેટમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ નાગરિકોએ તપાસ કરતા આ બે ફલેટના પણ તાળા તુટેલા જાવા મળતા તાત્કાલિક પોલીસ અધિકારીઓને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં અને તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતાં. પોલીસે એક જ ફલેટમાં ત્રણ તાળા તુટયાની ફરિયાદ નોંધી સઘન તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને કોઈ એક જ ગેંગ ત્રાટકી હોવાનું પોલીસ માની રહી છે.