દેશના ૪૦ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

બોમ્બ હોવાના ઈ-મેઈલથી ફફડાટ ફેલાયો
(એજન્સી)નવી દિલ્હી,દેશના ૪૦ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે મળી છે. વડોદરા પછી પટના અને જયપુર સહિત હવે દેશના ૪૦ એરપોર્ટમાં બોમ્બ હોવાના ઈ-મેઈલથી ફફડાટ ફેલાયો છે. બિહારના પટના એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તેના પગલે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.
પટના એરપોર્ટના ડાયરેક્ટરનું કહેવું છે કે વધુ માહિતી મળતા જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પટના એરપોર્ટ પર આ અંગે સર્ચ કરવામાં આવ્યું હતું. જોકે કંઈ પણ વસ્તુ મળી નથી. આ સિવાય જયપુર અને કોલકાતા એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પટના પછી રાજસ્થાનના જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પણ આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેને લઈને એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. સાથે જ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ હાલ સર્ચ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે જયપુર, નાગપુર, કાનપુર, ગોવા સહિત દેશના ઘણા એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એરપોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા પછી બોમ્બ સ્કવોડે એરપોર્ટમાં સર્ચ કર્યું હતું. જોકે હાલ કોઈ વસ્તુ મળી નથી.