હૈદરાબાદ રેપ કેસ આધારિત ફિલ્મમાં કરીના કપૂર ખાન-આયુષ્માન ફાઈનલ
મેઘનાએ અગાઉ ડાયરેક્ટર તરીકે ‘તલવાર’ (૨૦૧૫) બનાવી હતી
બળાત્કારના ચારેય આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કરતાં કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો
મુંબઈ,કરીના કપૂર ખાન અને આયુષ્માન ખુરાનાના લીડ રોલ સાથે મેઘના ગુલઝારે આગામી ફિલ્મનું પ્લાનિંગ કર્યું છે. ‘સેમ બહાદુર’ની સફળતા બાદ મેઘનાએ હૈદરાબાદ રેપ કેસ આધારિત ફિલ્મ બનાવવા તૈયારી હાથ ધરી છે. ૨૦૧૯માં હૈદરાબાદમાં ૨૬ વર્ષીય યુવતી પર થયેલા બળાત્કારે સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી. આ ઘટનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન તેમનું એન્કાઉન્ટર થયું હતું. ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરને બનાવટી ઠરાવ્યું હતું.
મેઘનાએ આ કેસને લગતી તમામ માહિતી ભેગી કરી લીધી છે અને સ્ક્રિનપ્લેની તૈયારી કરી રહી છે. આ કેસ સાથે સંકળાયેલી વિગતો જાણ્યા બાદ મેઘના ખૂબ વ્યથિત થઈ હતી. કરીના અને આયુષ્માન પણ આ પ્રોજેક્ટ સાંભળીને લાગણીશીલ થઈ ગયા હતા. ફિલ્મને ૨૦૨૪ના છેલ્લા મહિનામાં ફ્લોર પર લઈ જવાનું આયોજન છે. ૨૦૨૫માં તેને થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. કરીના કપૂર ખાન અને આયુષ્માન ખુરાના ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગયા છે, પરંતુ હજુ કોન્ટ્રાક્ટ સાઈન થયા નથી.
આ ફિલ્મ સાથે આયુષ્માન અને કરીના પહેલી વાર સાથે કામ કરશે. મેઘનાએ અગાઉ ડાયરેક્ટર તરીકે ‘તલવાર’ (૨૦૧૫) બનાવી હતી. આરુષિ તલવર હત્યા કેસ આધારિત આ ફિલ્મમાં ઈરફાન ખાનનો લીડ રોલ હતો. ૨૦૧૭માં આલિયા ભટ્ટ સાથે હરિન્દરસિંગ સક્કાની બાયોગ્રાફી આધારે ‘રાઝી’ અને ત્યારબાદ એસિડ એટેકની ઘટના પર ૨૦૨૦માં ‘છપાક’ બનાવી હતી. મેઘનાએ સત્યઘટના આધારિત ચોથી ફિલ્મ ‘સેમ બહાદુર’નું ડાયરેક્શન કર્યું હતું. મેઘના સત્યઘટના આધારિત પાંચમી ફિલ્મ બનાવવા જઈ રહી છે. ss1