ભરૂચની સગીરાને ઘરમાં પૂરી રાખતો નરાધમ આખરે ઝડપાયો
દવા છાંટવાના બહાને તેમજ બરફ ખરીદવાના બહાને પોલીસ ફેકટરીમાં જતી હતી
અંકુર મહેન્દ્રભાઈ શર્મા ઉ.વ.૧૯ અંકલેશ્વર જીઆઈડીસીની આઈસ ફેકટરીમાં નોકરી કરતો હોવાની માહિતી મળતા પોલીસની ટીમ પહેલી વખત મ્યુનિ.કોર્પો.ની ટીમના સ્વાંગમાં દવા છાંટવાના બહાને ફેકટરીમાં ગઈ હતી.ત્યાર બાદ મેલિરિયા – ટાઈફોઈડની બીમારીના સર્વેના બહાને ગઈ હતી. ત્યારબાદ અંકુરને ઉઠાવી લીધો હતો.
(પ્રતિનિધિ) ભરૂચ, કૃષ્ણનગરમાં ઘર આગળ રમી રહેલી ૧૦ વર્ષની કિશોરી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જો કે કિશોરી ઘર સામે આવેલી બાર્બર શોપમાં નોકરી કરતા યુવક સાથે ભાગી ગઈ હોવાની શંકા માતા – પિતાએ વ્યકિત કરી હતી.લગભગ એક વર્ષ બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ અંકલેશ્વરની એક ફેકટરીમાં નોકરી કરતા યુવકને શોધી કાઢયો હતો.જ્યારે તેના ઘરમાંથી કિશોરી પણ મળી આવી હતી.કિશોરી યુવકને પ્રેમ કરતી હતી અને તેને પતિ માનતી હોવાની કિશોરીની વાત સાંભળીને ખૂદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
કૃષ્ણનગર માંથી તા.૨૬ જૂન ૨૦૨૩ ના રોજ ૧૦ વર્ષની કિશોરી રહસ્યમય રીતે ગુમ થઇ ગઈ હતી. જો કે તે જ સમયે તેમના ઘરની સામેની બાર્બર શોપમાં નોકરી કરતો અંકુર શર્મા ઉ.વ.૧૯ નો યુવક પણ ગુમ થઈ ગયો હતો.આ અંગે કિશોરીના માતા – પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અંકુર શર્મા તેમની દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયો હોવાની શંકા વ્યકત કરી હતી.
જો કે કિશોરી કે અંકુરની કોઈ ભાળ નહીં મળતા આ કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને સોંપવામાં આવી હતી.પરંતુ તે પણ કિશોરીને શોધી નહીં શકતા હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ કરવામાં આવી હતી. જેના આધારે તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.જેથી પોલીસે ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તપાસ શરુ કરી હતી.જેમાં પોલીસને એવી માહિતી મળી હતી
કે અંકલેશ્વર જીઆઈડીસીની એક આઈસ ફેકટરીમાં એક છોકરો નોકરી કરે છે,તે એક કિશોરી સાથે રહે છે.આ માહિતીના આધારે પોલીસે ગુપ્ત રીતે તપાસ કરી હતી. જેમાં અંકુર મળી આવ્યો હતો.જેથી તેના ઉપર એક અઠવાડિયા સુધી વોચ ગોઠવીને તેને પકડી લીધો હતો. જ્યારે તેની પૂછપરછ કરતા કિશોરી તેના ઘરે જ હોવાનું જણાવતા પોલીસ તેને લઈને ઘરે પહોંચી હતી. ત્યાંથી કિશોરી પણ મળી આવતા પોલીસ બંનેને લઈને અમદાવાદ આવી હતી.