Western Times News

Gujarati News

ગુજરાતથી રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં સોના-ચાંદીની હેરાફેરી

વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં ૧૨ કિલો ચાંદી ઝડપાયું

(એજન્સી)હિંમતનગર, ગુજરાતમાં દાણચોરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં સોના-ચાંદીની હેરાફેરી વધી રહી છે.

હિંમતનગર રેલવે સ્ટેશન પર વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતા બે મુસાફરો પાસેની બેગ તપાસ કરતાં જીઆરપી રેલવે પોલીસને પાંચ લાખની કિંમતની ૧૨.૬૮૦ કિલો ચાંદી મળી આવી હતી. જેને લઈને બે મુસાફરો સામે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

હિંમતનગર જીઆરપી પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગતો મુજબ હિંમતનગર જીઆરપી રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર રાજસ્થાન તરફથી આવતી ટ્રેનોમાં નિયમિત તપાસ કરવામાં આવે છે.

ત્યારે ઇન્દોરથી અસારવા જતી વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર આવી પહોંચતા જ જનરલ કોચમાંથી થેલા સાથે રાજસ્થાનના બે શખસો ઉતર્યા હતા. હિંમતનગર જીઆરપી રેલવે પોલીસે રાબેતા મુજબ મુસાફરોની તપાસ કરતાં તેમના થેલામાંથી ચાંદીનો ચોરસો મળી આવ્યો હતો.

પોલીસે તેમની પાસે ચાંદીના બિલ અંગેની માગણી કરતાં મુસાફરો પાસે કોઈ પુરાવા ન હતા.જેને લઇને હિંમતનગર રેલવે પોલીસે ૧૨.૬૮૦ કિલોગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખનો ચાંદીનો જથ્થો કબજે લીધો હતો.

રાજસ્થાનના મેરતાથી ઈન્દોર અસારવા ટ્રેનમાં હિંમતનગર ઉતરેલા બે શખસોએ ખેડબ્રહ્મા, અંબાજી અને સાવલી કોટડા રાજસ્થાન સોનીની દુકાન ધરાવતા વેપારીઓને આ માલ આપવાનો હતો તેવું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.