Western Times News

Gujarati News

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

એક પૃથ્વી, એક સ્વાસ્થય યોગ સુત્ર સાથે ગુજરાત સહિત સમગ્ર વિશ્વ યોગમય બન્યું : મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

ગાંધીનગરમાં ૨૦થી વધુ સ્થળ ઉપર ૬૦,૦૦૦થી વધુ  નાગરિકોએ યોગ દિવસની ઉજવણી કરી : મેયર શ્રી મીરાબેન પટેલ

૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર ઉજવવામાં આવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે કરવામાં આવી હતી.

આ પ્રસંગે આંતરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આજે એક પૃથ્વી, એક સ્વાસ્થય યોગ સુત્ર સાથે ગુજરાત સહિત સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે. યોગને વિશ્વ ફલક પર નામના અપાવવા અને માત્ર ભારત નહીં પરંતુ વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે, યોગ અપનાવવાથી તંદુરસ્તી જળવાઈ રહે તેવા

આશયથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧ મી જૂનને ‘આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી, 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. આ પહેલાના ભાગરૂપે દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” નકકી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં એક કહેવત છે “પહેલું સુખ તે જાતે નર્યા” નિરોગી શરીર તમામ સુખ અનુભવવા માટેની પ્રથમ જરૂરિયાત છે. ભારતની ભવ્ય સીંધુખીણની સંસ્કૃતિના અવશેષો પણ દર્શાવે છે કે યોગ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ રહ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સાર્થક પ્રયાસોથી આજે વિશ્વભરમાં આપણી પ્રાચીન યોગ વિદ્યા વધુ પ્રચલિત બની છે. રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા તથા જનસમુદાયમાં યોગ અંગે વધુ જાગૃતિ ફેલાવવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા વિશાળ પ્રમાણમાં યોગનો પ્રચાર -પ્રસાર થઇ રહ્યો છે.

ચાલુ વર્ષે પણ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે  ગુજરાત રાજ્યે પણ આ દિશામાં અગ્રેસર રહીને 1.25 કરોડથી પણ વધુ નાગરિકોની જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ
દિવસની ઉજવણી કરી છે તેમ, તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા ગાંધીનગરના મેયર શ્રી મીરાબેને જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની સતત એક અઠવાડિયાની મેહનતના પરિણામ સ્વરૂપે ગાંધીનગરમાં ૨૦થી વધુ સ્થળ ઉપર અંદાજિત ૬૦,૦૦૦થી વધુ નાગરિકો દ્વારા યોગ દિવસની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, યોગને જીવનનો ભાગ બનાવવાના આ ભગીરથ કાર્યમાં ગાંધીનગરની અનેક સામાજિક સંસ્થાઓએ અમારી સાથે ખભે ખભો મિલાવીને સદકાર્ય કર્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યોગ એ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. યોગથી કોઈપણ દવા વગર રોગોને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરરોજ ૨૦ થી ૩૦ મિનિટ યોગ કરે છે, તો તેનું શરીર દિવસભર થાકતું નથી અને સ્ફૂર્તિ રહે છે. માનસિક તાણ અને હાયપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર રહે છે એટલે જ આજે આખુ વિશ્વ યોગને સહર્ષ સ્વીકારે છે.

યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી નટવરજી  ઠાકોર, સ્થાયી સમિતિ ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન. વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી જે.એમ.ભોરણિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી કે.જી.ચૌધરી, મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ- અધિકારીશ્રી, બ્રહ્મકુમારી સહિત વિવિઘ સંસ્થાઓના કાર્યકર્તાઓ, ગાંધીનગરના યોગ પ્રેમી નાગરિકો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.