હવે ઘઉંનો સંગ્રહ કરવો વેપારીઓને મોંઘો પડશે
(એજન્સી)નવી દિલ્હી, ઘઉંના વધતા ભાવને લઈને સરકાર હવે સક્રિય થઈ ગઈ છે. ઘઉંના સંગ્રહને રોકવા માટે સરકારે સોમવારે તેના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે. સરકારે આ લિમિટ રિટેલર્સ, હોલસેલર્સ, પ્રોસેસર્સ અને મોટા ચેઈન રિટેલર્સ માટે ઘઉંના સંગ્રહ પર આ મર્યાદા લગાવી છે.
ભાવ સ્થિરતા જાળવવા અને સંગ્રહખોરી રોકવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ સોમવારે જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ, મોટા ચેઇન રિટેલર્સ, પ્રોસેસર્સ અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત ઘઉંના સ્ટોકનો ખુલાસો કરશે.
ચોપરાએ કહ્યું કે સરકાર દેશમાં ઘઉંની અછતને દૂર કરવા માગે છે. તેમણે એમ પણ કહ્યું કે અત્યારે ઘઉંની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી અને ખાંડની નિકાસ પરના પ્રતિબંધની સમીક્ષા કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ઘઉંના ભાવ સ્થિર રહે.ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા ૩,૦૦૦ ટન હશે,
જ્યારે પ્રોસેસર્સ માટે તે પ્રોસેસિંગ ક્ષમતાના ૭૦ ટકા હશે. તેમણે કહ્યું કે મોટા ચેઈન રિટેલર્સ માટે આ મર્યાદા ૧૦ ટન પ્રતિ આઉટલેટ હશે, જેની કુલ મર્યાદા ૩,૦૦૦ ટન હશે અને સિંગલ રિટેલર્સ માટે આ મર્યાદા ૧૦ ટન રહેશે.ચોપરાએ જણાવ્યું હતું કે ઘઉં સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા હોવાના તાજેતરના મીડિયા અહેવાલોને ધ્યાનમાં રાખીને સ્ટોક લિમિટ લગાવવામાં આવી છે.
આ ઉપરાંત સંગ્રહખોરી ઘટાડવા માટે સ્ટોક લિમિટ લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ઘઉંનો પ્રારંભિક સ્ટોક ૮૨ લાખ ટન હતો, જ્યારે ૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ તે ૭૫ લાખ ટન હતો. તેમણે કહ્યું કે ગયા વર્ષે ૨૬૬ લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે સરકારે ૨૬૨ લાખ ટનની ખરીદી કરી છે અને હજુ પણ ખરીદી ચાલુ છે. તેથી ઘઉંની અછત (પ્રારંભિક સ્ટોકમાં) માત્ર ત્રણ લાખ ટનની જ છે.