અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક વખત માનીતા અધિકારીઓ માટે લાલ જાજમ
જુનિયર અધિકારીઓ સિનિયર ઈજનેર અધિકારીઓના બોસ બનશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ જોવા મળે છે મ્યુનિસિપલ સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓના માનીતા અમુક અધિકારીઓને રાતોરાત ઇન્ચાર્જ સિનિયર અધિકારી બનાવી દેવામાં આવે છે જ્યારે કેટલાક અધિકારીઓને પે ગ્રેડ વધારો કરી સીધે સીધી સિનિયોરિટી આપવામાં આવે છે આવું જ કંઈક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવેસરથી રંધાઈ રહ્યું હોવાની વિગતો બહાર આવી છે જેમાં પાંચ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને એચઓડી કક્ષાના પાંચ અધિકારીઓ ના પે ગ્રેડ વધારો કરવા ની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે મ્યુનિસિપલ સત્તાધીશો આ દરખાસ્તને મંજૂરી આપશે તો એડિશનલ સીટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓ રાતોરાત જુનિયર થઈ જશે જ્યારે તેમના બાદ ભરતી થયેલ અધિકારીઓ સિનિયર બની જશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2008 નો માં ભરતી કરવામાં આવેલ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોનો પે ગ્રેડ હાલ 7600 છે 14 વર્ષની નોકરી બાદ તેમનો પે ગ્રેડ 8700 થઈ શકે છે પરંતુ બે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓએ એક વિવાદાસ્પદ દરખાસ્ત તૈયાર કરી છે. જે મુજબ આ અધિકારીઓના પે ગ્રેડ 8700 ને બદલે 8900 કરવામાં આવ્યો છે.
જેના કારણે તેમના પે ગ્રેડ એડિશનલ સિટી ઇજનેર કરતાં પણ વધી જશે અને પે ગ્રેડની સરખામણી એ તેઓ તેમના સિનિયર પણ બની જશે. પાંચ આસિસ્ટન્ટ કમિશનરોની સાથે સાથે પાંચ એચઓડી કક્ષાના અધિકારીઓ ના પણ પે ગ્રેડમાં વધારો કરવામાં આવશે.
અહી ચોકાવનારી બાબત છે કે 2018માં જે આસિસ્ટન્ટ કમિશનરોની ભરતી કરવામાં આવી છે તેમની જોબના લગભગ સાત વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે આગામી 7 વર્ષ બાદ તેમના પે ગ્રેડ પણ 8900 થઈ જશે મતલબ કે ભરતી સમયે જે લોકોની ઉંમર 25 કે 30 વર્ષની હશે તેઓ 40 થી 45 વર્ષની ઉંમરમાં જ એડિશનલ સીટી ઇજનેરના સિનિયર અધિકારી બની જશે.
દુખદ બાબત એ છે કે મોટાભાગના અધિકારીઓને નિવૃત્તિ ની આસપાસના સમયે જ એડિશનલ ઇજનેર તરીકે પ્રમોશન મળે છે તથા તેમની સામે જ ભરતી થયેલ જુનિયર અધિકારીઓના આજ નીચે કામ કરવા પડે છે જેના કારણે તેમના મનોબળ પણ તૂટી જાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ખોટી પરંપરા ઘણા સમયથી ચાલતી આવે છે થોડા સમય પહેલા જ સીટી ઇજનેર (વોટર રિસોર્સ મેનેજમેન્ટ) ની જગ્યા પર અત્યંત જુનિયર કહી શકાય તેવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેના કારણે સિનિયર અધિકારીઓમાં નારાજગી જોવા મળે છે.
અહીં એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે 2008-09 માં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક પામેલ આરજવ શાહ અને અન્ય બે અધિકારીઓએ પણ નિયમ વિરુદ્ધ જઈ તેમના પે ગ્રેડ માં બારોબાર વધારો કરાવ્યો હતો. જો કે આ બાબત ફાઈલોમાં દફન કરવામાં આવી હોવાથી તે મામલે કોઈ ઉહાપોહ થયો ન હતો આ વખતે પણ આસિસ્ટન્ટ કમિશનરોના પે ગ્રેડ વધારો કરવામાં ડેપ્યુટી કમિશનર આરજવ શાહ અને મિહિર પટેલ ની ભૂમિકા મહત્વ હોવાની ચર્ચા ચાલી રહી છે