Western Times News

Gujarati News

200 કિમી લાંબા દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુ  ૪૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરાશે

હરિત વન પથ યોજના અંતર્ગત વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે થશે વૃક્ષારોપણ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે,

દ્વારકા થી સોમનાથ સુધીના આશરે ૨૦૦ કિમી લંબાઈના કોસ્ટલ હાઈવેની બન્ને બાજુ વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આશરે ૪૦,૦૦૦ જેટલા રોપાઓનું ૧૦x૧૦ મી.ના અંતરે વાવેતર કરવામાં આવશે. રાજ્યમાં ટ્રી કવર વધારવા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અગાઉ કરાયેલી કામગરીને ધ્યાને રાખીને જ સદભાવના વૃદ્ધાશ્રમને ‘હરિત વન પથ’ યોજનાના અમલ માટે ભાગીદારસહ આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ‘હરિત વન પથ’ યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ ૭૦ હેક્ટર વિસ્તારમાં આશરે ૭૦,૦૦૦ મોટા રોપાઓના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. હરિત વન પથ યોજના હેઠળ રાજ્યમાં ટ્રી કવર વધારવા અને રોડની બન્ને બાજુને હરિયાળી બનાવવા માટે ૫ X ૫ મી. ના અંતરે ૬ થી ૮ ફીટના રોપા ટ્રી-ગાર્ડ સાથે વાવેતર કરવાની એક અગત્યની યોજના છે.

આ યોજના અગાઉના વાવેતરો કરતાં વિશિષ્ટ અને અત્યંત અસરકારક મોડલ તરીકે તૈયાર કરવામાં આવી છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગત ૧૦ વર્ષમાં આશરે ૨૫ લાખ કરતાં પણ વધારે વૃક્ષોન્બુ વાવેતર કરીને ઉછેરવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈવે પર કરવામાં આવનાર વૃક્ષારોપણમાં રોપા દીઠ અંદાજે રૂ. ૩૦૦૦ના ખર્ચે પ્રથમ વર્ષનું વાવેતર અને ત્રણ વર્ષ સુધીની જાળવણી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા કરવામાં આવશે. સંસ્થા પાસે તાંત્રિક માનવબળ, ટ્રેક્ટર્સ, ટેંકર્સ અને વૃક્ષારોપણ કામગીરી માટે તમામ સાધન સામગ્રી પણ ઉપલબ્ધ છે.

માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમે લોક ભાગીદારીથી PPP ધોરણે વનીકરણનું કામ કરવા ઇચ્છા દર્શાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યમાં રોડના મિડિયન, બન્ને બાજુ તેમજ અન્ય અનુકૂળ જગ્યાએ મોટા રોપા ટ્રી ગાર્ડ સાથે સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ-માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લામાં વૃક્ષારોપણ માટે વન વિભાગ સાથે રૂ. ૧૦ કરોડના MoU પણ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.