Western Times News

Gujarati News

યોગી સરકાર હવે UP પબ્લિક એક્ઝામિનેશન અધ્યાદેશ ૨૦૨૪ લાવી

પેપર લીક મુદે સરકાર લાવશે નવો કાયદો

પેપર લીકમાં કોઈ દોષી સાબિત થશે તો તેને આજીવન કેદ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. આ પ્રસ્તાવને યોગી કેબિનેટે મંજૂરી આપી દીધી

(એજન્સી)નવી દિલ્હી, મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાના પેપર લીકને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલની પરીક્ષા હોઈ કે રિવ્યુ ઓફિસર/આસિસ્ટન્ટ રિવ્યુ ઓફિસરની પરીક્ષા પેપર લીકના આરોપોને કારણે રદ કરવામાં આવી .

ત્યારે પેપર લીકને ઘટનાઓને જોતા યોગી સરકાર હવે ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન અધ્યાદેશ ૨૦૨૪ લાવી છે. જે અંતર્ગત જો પેપર લીકમાં કોઈ દોષી સાબિત થશે તો તેને આજીવન કેદ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાયી છે. આ પ્રસ્તાવને યોગી કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

જો પેપર લીક અથવા અન્ય કારણોસર પરીક્ષાને અસર થશે તો તેના પર થયેલા ખર્ચની ભરપાઈ સોલ્વર ગેંગ પાસેથી વસૂલાત કરવામાં આવશે. સાથે પરીક્ષામાં ગેરરીતિ કરનારી કંપની અને સેવા આપનાર સંસ્થાઓને હંમેશા માટે બ્લેકલિસ્ટ કરી દેવાશે. ગુનેગારની સંપત્તિ પણ જપ્ત કરી શકાય છે. અને જોગવાઈ અનુસાર જામીન પણ સરળતાથી નહીં મળે.

લોકસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે પેપર લીક અને નકલ માફિયાઓ પર કડક કાયદો લાવવાની વાત કરી હતી. તે દિશામાં હવે સરકારે આ મામલે મોટું પગલું ભર્યું છે. સરકારે કહ્યું કે, નકલી પ્રશ્નપત્રોનું વિતરણ, નકલી રોજગાર વેબસાઇટ્‌સ બનાવવી વગેરેને સજાપાત્ર અપરાધ માનવામાં આવશે. તેના ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછી બે વર્ષથી આજીવન કેદની સજા અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે

ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં અનેક ભરતી પરીક્ષાઓમાં છબરડાંઓ સામે આવ્યા છે. ખાસ કરીને આરઓ/એઆરઓ ભરતી પરીક્ષા હોઈ કે યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પેપર લીક થયા બાદ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. જેમાં પરીક્ષાની વ્યવસ્થા કરતી સંસ્થાઓ પણ પીપર લીક કાંડમાં સંડોવાયેલી હતી. આ સ્થિતિમાં સીએમ યોગીએ પેપર લીકને રોકવા નવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. આ દિશામાં પગલું ભરતા યોગી સરકાર પેપર લીકને રોકવા અધ્યાદેશ લાવી છે.

કેન્દ્ર સરકારે દેશભરમાં થયેલા ઉહાપોહને ધ્યાનમાં રાખી પેપર ફોડનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે જરૂરી નિયમો પણ બનાવી દીધા છે. ટુંક સમયમાં જ તેનો અમલ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે આ કાયદાને મંજુરી આપી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.