Western Times News

Gujarati News

આ બજેટમાં મોટા આર્થિક નિર્ણયો અને ઐતિહાસિક પગલાં જોવા મળશે: રાષ્ટ્રપતિ

પેપર લીકના ગુનેગારોને સજા અપાવવા સરકાર પ્રતિબદ્ધ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી, લગભગ ૬૪ કરોડ મતદારોએ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની ફરજ બજાવી છે

(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત ગૃહને સંબોધિત કર્યું હતું. ૧૮મી લોકસભાની રચના બાદ રાષ્ટ્રપતિનું આ પ્રથમ સંબોધન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, હું ૧૮મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું.

તમે બધા મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા છો. દેશ સેવા અને લોકોની સેવા કરવાની તક બહુ ઓછા લોકોને મળે છે. આ સાથે મુર્મૂએ પેપર લીક મામલે પણ મોટી વાત કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આવનારો સમય ગ્રીન એરાનો છે. સરકાર પણ આ માટે દરેક જરૂરી પગલાં લઈ રહી છે. અમે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ વધારી રહ્યા છીએ, જેના કારણે ગ્રીન જોબ્સમાં પણ વધારો થયો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી. લગભગ ૬૪ કરોડ મતદારોએ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની ફરજ બજાવી છે. આ વખતે પણ મહિલાઓએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી પણ આ ચૂંટણીનું ખૂબ જ સુખદ ચિત્ર સામે આવ્યું છે. કાશ્મીર ખીણમાં મતદાનના દાયકાઓનો રેકોર્ડ તૂટી ગયો છે. આ સાથે ચૂંટણીની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, મારી સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભો – ઉત્પાદન, સેવાઓ અને કૃષિને સમાન મહત્વ આપી રહી છે. પીએલઆઈ યોજનાઓ અને વ્યવસાય કરવાની સરળતા મોટા પાયે રોકાણ અને રોજગારની તકો વધારી રહી છે. પરંપરાગત ક્ષેત્રોની સાથે, સૂર્યોદય ક્ષેત્રોને પણ મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, સુધારા, પ્રદર્શન અને પરિવર્તનના સંકલ્પે આજે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, છ દાયકા બાદ દેશમાં પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકાર બની છે. લોકોએ આ સરકારમાં ત્રીજી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકો જાણે છે કે માત્ર આ સરકાર જ તેમની આકાંક્ષાઓ પૂરી કરી શકે છેપ ૧૮મી લોકસભા ઘણી રીતે ઐતિહાસિક લોકસભા છે.

તેમણે કહ્યું, આ લોકસભાની રચના અમૃતકલના શરૂઆતના વર્ષોમાં થઈ હતી. આ લોકસભા પણ દેશના બંધારણને અપનાવવાના ૫૬મા વર્ષની સાક્ષી બનશેપઆગામી સત્રોમાં, આ સરકાર તેના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટ સરકારની દૂરગામી નીતિઓ અને ભાવિ વિઝનનો અસરકારક દસ્તાવેજ બની રહેશે.

આ બજેટમાં મોટા આર્થિક અને સામાજિક નિર્ણયોની સાથે અનેક ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે. હાલ નીટ જેવા પેપરો લીક થયા છે ત્યારે પેપર લીકના મામલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમના સંબોધનમાં પેપર લીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ‘સરકાર પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતોને કડક સજા આપવા માટે પ્રતિબદ્ધ છે.

અગાઉ પણ ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની છે. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને આ મુદ્દે દેશવ્યાપી નક્કર પગલાં લેવાની જરૂર છે. ૧૮મી લોકસભાની રચના બાદ સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ મુર્મુનું આ પ્રથમ સંબોધન છે. નવી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારે શરૂ થયું. રાજ્યસભાનું ૨૬૪મું સત્ર આજે એટલે કે ગુરુવારથી શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.