Western Times News

Gujarati News

પાકિસ્તાનના કરતારપુર સાહિબમાં સ્થાપિત કરાઈ મહારાજા રણજીત સિંહની પ્રતિમા

લાહોર, શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું બુધવારે કરતારપુર સાહિબ ખાતે ૪૫૦ થી વધુ ભારતીય શીખોની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા ધાર્મિક કટ્ટરપંથીઓએ તેમની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.

પ્રતિમાનું પુનઃ નિર્માણ અને સ્થાપન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ભારતના શીખ સમુદાયના સભ્યોએ સમ્રાટની સ્થાપિત પ્રતિમાની સામે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો.પંજાબના પ્રથમ શીખ મંત્રી (લઘુસંખ્યકો માટે) અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ રમેશ સિંહ અરોરાએ પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.

કરતારપુર સાહિબને ગુરુદ્વારા દરબાર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લાહોરથી લગભગ ૧૫૦ કિમી ઉત્તર-પૂર્વમાં ભારતીય સરહદની નજીક સ્થિત છે. અરોરાએ પીટીઆઈને કહ્યું, “અમે આજે સ્થાનિક અને ભારતીય શીખોની હાજરીમાં ગુરુદ્વારા દરબાર સાહિબ, કરતારપુર સાહિબ ખાતે મહારાજા રણજીત સિંહની પ્રતિમા સ્થાપિત કરી છે.”

૪૪ વર્ષીય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ના નેતાએ કહ્યું કે પુનઃસ્થાપિત પ્રતિમા મુખ્યત્વે કરતારપુર સાહિબ ખાતે મૂકવામાં આવી છે જેથી કોરિડોરનો ઉપયોગ કરીને સરહદ પાર કરીને અહીં આવતા ભારતીય શીખો પણ તેને જોઈ શકે.

“કરતારપુર ખાતે, શીખ નેતાની પ્રતિમા માટે પણ વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે, જે અગાઉ લાહોર કિલ્લામાં તોડફોડ કરવામાં આવી હતી,” અરોરાએ જણાવ્યું હતું.મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી ઉજવણીમાં ભાગ લેવા ગયા અઠવાડિયે ભારતથી અહીં આવેલા ૪૫૫ શીખોએ પ્રતિમાના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી.

તેઓ કરતારપુરમાં એક દિવસ રોકાશે મહારાજા રણજીત સિંહની ૯ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સૌપ્રથમ ૨૦૧૯માં લાહોર કિલ્લામાં તેમની ‘સમાધિ’ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. તેહરીક-એ-લબ્બેક પાકિસ્તાનના કાર્યકરો દ્વારા તેને બે વાર તોડવામાં આવ્યું હતું.પંજાબના મહાન શીખ શાસકની પ્રતિમા યુનાઇટેડ કિંગડમની સંસ્થા તરફથી પ્રાંતના લોકોને ભેટ હતી.

એવું જાણવા મળ્યું છે કે મહારાજાને ઘોડા પર સવારી કરતા દર્શાવતી પ્રતિમાને પૂર્ણ કરવામાં આઠ મહિનાનો સમય લાગ્યો હતો અને યુનાઇટેડ કિંગડમ સ્થિત ઇતિહાસકાર અને શીખ ખાલસા ફાઉન્ડેશનના વડા બોબી સિંહ બંસલ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી.

પ્રતિમાનું અંદાજિત વજન ૨૫૦-૩૩૦ કિગ્રા હોવાનું કહેવાય છે. મહારાજા રણજીત સિંહ શીખ સામ્રાજ્યના સ્થાપક હતા, જેમણે ૧૯મી સદીની શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ ભારતીય ઉપખંડ પર શાસન કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.