ગુજરાત રાજયમાં સાર્વત્રિક વરસાદઃ ખેડૂતો ખુશખુશાલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/rain-farm-1024x509.jpg)
આગામી ૫ દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
અમદાવાદ, રાજયમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતાં જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે
જયારે બાકીના જિલ્લાઓમાં ખેડુતોએ વાવણીની પ્રક્રિયા આરંભી છે. આજે સવારથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જિલ્લામાં સતત વરસાદ પડી રહયો છે. જયારે ઉત્તર ગુજરાતમાં આજે અમદાવાદ જિલ્લાના ગામોમાં પણ વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રાજયના ૭૦થી વધુ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો હતો.
આગામી ૫ દિવસમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ-પશ્રિમ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાણી આગાહી કરી છે.૨૯ જૂને નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ૩૦ જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આણંદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ અને ૦૧ જુલાઈએ વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સીવાય સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર માં ભારે વરસાદની આગાહી કરાઈ છે.૦૨ જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ તેમજ રાજ્યના ઉત્તર પૂર્વ ભાગોના વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે આગાહી દરમિયાન ૫ જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે .આપને જણાવી દઈએ સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ સુધીમાં રાજ્યના ૧૦૦ તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે,ત્યારે અત્યારે રાજ્યના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળ છાયા વાતાવરણ બાદ થલતેજ, એસજી હાઇવે, પકવાન, ઇસ્કોનમાં વરસાદ વરસ્યો છે.શહેરના અનેક વિસ્તરામાં વરસાદ વરસતા ગરમીના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બોડકદેવ,વસ્ત્રાપુર,એસ.જી.હાઈવે સહીત થલતેજ, શીલજ, બોપલ સેટેલાઈટ, મેમનગર, શાસ્ત્રીનગરમાં વરસાદ વરસ્યો છે.
મોરબીમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. મોરબી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જો કે યોગ્ય સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
બીજી તરફ સુરતમાં પણ મેઘ મહેર થઈ રહી છે. સુરતના કડોદરા, પલસાણા, બારડોલી, સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સુરતના વેસુ, પાર્લે પોઇન્ટ, ઉમરા સહિતના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. આગામી ૩ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે.
આજે સુરત, નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી ત્રણ તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
બોટાદમાં સવારથી સાંબેલાની ધારે ધોધમાર વરસાદ પડતાં શહેરનાં ઢાકણીયા રોડ પર આવેલ તુલસી નગર-૨ વિસ્તારમાં પાણી ભરાતા નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીમાં SDRF ટીમ પહોંચી. ચોમાસા પૂર સહિત આફતની પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સજ્જ છે. સાથે જ વડોદરાથી SDRFની એક ટીમ અમરેલીમાં સ્ટેન્ડ બાય રખાઈ છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધનોથી SDRFની સ્ટેન્ડ બાય રહેશે.