Western Times News

Gujarati News

નારોલના કારખાનામાંથી બાળ મજુરોને મુક્ત કરાવાયા

સિલાઈ કામના કારખાનામાં છેલ્લા ઘણા સમયથી બિહારના બાળકો મજુરી કરતા હતા : તમામ બાળકોને તેમના વતન મોકલી અપાશે

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં ઔદ્યોગિક વિકાસના પગલે દેશભરમાંથી લોકો રોજગારી મેળવવા માટે ગુજરાતના અનેક શહેરોમાં આવી રહયા છે આ પરિસ્થિતિમાં  સરકારે બનાવેલા નિયમોનો ભંગ કરીને માલિકો દ્વારા બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળવા લાગી છે ખાસ કરીને પરપ્રાંતિય બાળકોને મોટી સંખ્યામાં ગુજરાતમાં લાવવામાં આવી રહયા છે.

જેના પગલે બે દિવસ પહેલા સુરતમાંથી સંખ્યાબંધ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતાં અને ત્યારબાદ સંબંધિત વિભાગો એલર્ટ થઈ ગયા છે. ગઈકાલે શહેરના નારોલ વિસ્તારમાં એક કારખાનામાંથી ૧૦થી વધુ બિહારના બાળકો મુકત કરાવવામાં આવ્યા છે અને પોલીસે આ કારખાનાના માલિક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દેશનું ભાવિ ગણાતા બાળકોને ભણતર મળે તથા તેમનુ બાળપણ છીનવાઈ ન જાય તે માટે સરકાર દ્વારા કેટલાક કાયદાઓ બનાવ્યા છે તેમ છતાં દેશના બિહાર સહિત અનેક રાજયોમાં બાળકોને મજુરી કામ અર્થે ધકેલી દેવામાં આવતા હોય છે વ્યક્તિસ્થિત ગેંગો આવા રાજયોમાં ફરતી હોય છે અને તેઓ લાલચો આપીને માતા પિતા પાસેથી બાળકોને સારો પગાર મળશે તેવુ કહીને ગુજરાત સહિતના વિકસિત રાજયોમાં લઈ આવતા હોય છે અને ત્યારબાદ તેઓની પાસે મજુરી કરાવવામાં આવતી હોય છે.

કારખાનાના માલિકો દ્વારા આવા બાળકોને ગોંધી પણ રાખવામાં આવતા હોય છે  જેના પરિણામે અન્ય રાજયોમાંથી આવતા આવા બાળકો દયનીય હાલતમાં જીવતા હોય છે. બે દિવસ પહેલા સુરત શહેરમાં રાજસ્થાન પોલીસ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી ખાસ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં પ૦થી વધુ બાળકોને મુકત કરાવવામાં આવ્યા હતાં આ ચોંકાવનારી વિગતો બાદ રાજયભરમાં સઘન ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શહેરના ઓઢવ વિસ્તારમાં જ રહેતા સુરેશગીરી ગોસ્વામી નામના આગેવાનને નારોલ એસ્ટેટમાં કેટલાક કારખાનાઓમાં બાળ મજુરો કામ કરતા હોવાની વિગતો મળી હતી જેના પગલે તેમણે પોતાની સંસ્થાના કાર્યકરો સાથે તપાસ કરતા નારોલના જે.કે. એસ્ટેટ ગોડાઉન નં.૩૪માં આવેલા જયોતિ જાબ વર્ક નામના કારખાનામાં કેટલાક બાળકો મજુરી કામ કરતા હોવાની જાણકારી મળી હતી. સિલાઈ કામ કરતા આ કારખાનામાં બાળકો મજુરી કામ કરતા હોવાની માહિતી મળતા જ અગ્રણીએ નારોલ પોલીસને સમગ્ર હકીકતથી વાકેફ કર્યાં હતાં.

માહિતી મળતા જ નારોલ પોલીસ સક્રિય બની હતી અને ખાસ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો હતો. ગઈકાલે મોડી સાંજે નારોલ પોલીસની એક ટીમ જયોતિ જાબવર્ક નામના કારખાના પર પહોંચી ગઈ હતી અને દરોડો પાડતાં જ કારખાનામાં કામ કરતા શ્રમિકો ગભરાઈ ગયા હતાં. પોલીસે તપાસ કરતા આ કારખાનામાં ૧૦થી વધુ બાળકો મજુરી કરતા હોવાનું જાણવા મળી રહયું છે.

પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ નારોલ પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસે આ કારખાનામાં કામ કરતા બિહારના બાળકોને છોડાવ્યા હતાં
જેમાં ૧. ઈબ્રાહિમ અસારી, ર. ઈમરાન અંસારી, ૩. અનાફ અંસારી, ૪. ઐયાઝ શેખ, પ. યુસુફ શેખ, ૬. સુફરાન શેખ, ૭. દિલહાર અંસારી, ૮. સુફીયાન અંસારી અને ૯. મુસ્તિકમ  શેખનો સમાવેશ થાય છે.  આ તમામ બાળકો ૧૪થી ૧પ વર્ષના છે અને તેઓને બિહારથી અહિયા લાવવામાં આવ્યા હતાં નારોલ પોલીસે આ તમામ બાળકોને મુકત કરાવી કારખાનાના માલિક મોહન ગાંવડર વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.