નજીવી બાબતે સોસાયટીના રહીશો વચ્ચે બબાલઃ યુવકે રહીશો પર કુંડા ફેંકતા બે ઘાયલ
એકલવ્ય એપાર્ટમેન્ટના મેન્ટેનન્સનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
(એજન્સી)અમદાવાદ, ચાંદખેડા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા એકલવ્ય એપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સનો વિવાદ છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એપાર્ટમેન્ટમાં રહેતા એક રહીશે મેન્ટેનન્સ નહીં આપીને રહીશો પર કુંડા ફેંકતા બે જણા ઈજાગ્રસ્ત થયા છે.
એપાર્ટમેન્ટ રજિસ્ટર નહીં હોવાથી તેમાં ચેરમેન-સેક્રેટરીની નિમણૂંક થઈ નથી જેના કારણે તમામ રહીશોએ મહિને ૪૦૦ રૂપિયા મેન્ટેનન્સ તરીકે આપવાનું નક્કી કર્યું હતું. એકલવ્ય એપાર્ટમેન્ટમાં ચોરી તેમજ વાહનોમાં તોડફોડ થતી હોવાથી સિકયોરિટી ગાર્ડ રાખવો જરૂરી હતો જેને લઈ મેન્ટેનન્સ ઉઘરાવવાનું નક્કી થયું હતું.
ચાંદખેડા વિસ્તારમાં આવેલા એકલવ્ય એપાર્ટમેન્ટમાં રહેતા મનીષાબહેન દરજીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા કિરીટ સોલંકી વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. મનીષાબહેન પતિ નરેશભાઈ અને બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. ગઈકાલે રાતે એકલવ્ય એપાર્ટમેન્ટના સભ્યો ભેગા થયા હતા અને જે સભ્યનું મેન્ટેનન્સ બાકી હોય તેમના ઘરે જવાનું નક્કી કર્યું હતું.
સભ્યો અલગ અલગ જગ્ગા પર જઈને મેન્ટેનન્સ ઉઘરાવી આવ્યા હતા. એપાર્ટમેન્ટના સભ્યો છેલ્લા બ્લોક નંબર-૪ના પાંચમાં માળે રહેતા કિરીટ સોલંકીના ઘરે મેન્ટેનન્સ ઉઘરાવવા માટે ગયા હતા. કિરીટ સોલંકીએ એપાર્ટમેન્ટના સભ્યો સાથે બોલાચાલી કરીને તેમને કાઢી મૂકયા હતા. હું મેન્ટેનન્સ ભરવાનો નથી, તમારાથી થાય તે કરી લેજો તેવું કહીને બબાલ શરૂ કરી દીધી હતી.
કિરીટ સોલંકીની ધમકી સાંભળીને એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈએ જવાબ આપ્યો હતો કે તમારે સોસાયટીનું મેન્ટેનન્સ ભરવું પડશે. દિનેશભાઈનો જવાબ સાંભળી કિરીટ સોલંકી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને લાફો મારી દીધો હતો. એપાર્ટમેન્ટના સભ્યો જ્યારે ફલેટની નીચે ઉતરી ગયા ત્યારે કિરીટ તેમની લોબીમાં આવ્યા હતા અને માટીના કુંડા છૂટાં મારવાનું શરૂ કરી દીધું હતું.
કિરીટ માટીના કૂંડા મારતા મનીષાબહેન તેમજ યશને માથામાં વાગતા તે ઈજાગ્રસ્ત થયા હતા. કિરીટે હુમલો કર્યા બાદ પોતાના ઘરમાં જ તા રહ્યા હતા જ્યારે મનીષાબહેન તેમજ યશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કિરીટ સોલંકી વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ મામલે મનીષાબહેનના પતિ નરેશભાઈએ જણાવ્યું છે કે, એકલવ્ય એપાર્ટમેન્ટમાં સિકયોરિટી ગાર્ડ તેમજ કેટલીક પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે એપાર્ટમેન્ટના સભ્યોએ મેન્ટેનન્સ ઉઘરાવવાનું નક્કી કર્યું હતું. સોસાયટી હજુ કોર્પોરેશનમાં રજિસ્ટર થઈ નહીં હોવાથી ચેરમેન-સેક્રેટરીની નિમણૂંક કરવામાં આવી નથી જેથી સોસાયટીને વ્યવસ્થિત રાખવા માટે દરેક મકાનમાંથી મેન્ટેનન્સ ઉઘરાવવાનું નક્કી કર્યું હતું.
પહેલાં તમામ ઘરદીઠ ૧૦૦ રૂપિયા લેતા હતા જ્યારે તેને વધારીને ૪૦૦ રૂપિયા કરવામાં આવ્યા હતા. કિરીટ સોલંકીએ જ્યારથી મેન્ટેનન્સ લેવાનું ચાલુ કર્યું ત્યારથી તે મેન્ટેનન્સ આપતો નથી અને એપાર્ટમેન્ટના સભ્યો સાથે દાદાગીરી કરે છે. થોડા દિવસ પહેલાં સોસાયટીના વાહનોમાં તોડફોડ થઈ હતી અને પેટ્રોલ પણ ચોરાયું હતું. જેથી સિકયોરિટી ગાર્ડ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સિકયોરિટી ગાર્ડ તેમજ બીજા ખર્ચ માટે મેન્ટેનન્સ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. કિરીટ સોલંકીનું કહેવું છે કે, જ્યાં સુધી સોસાયટી રજિસ્ટર નહીં થાય ત્યાં સુધી કતે મેન્ટેનન્સ ભરશે નહીં. સોસાયટી ઘણો વિરોધ કરે છે પરંતુ કિરીટ સોલંકી પૈસા આપતા નથી.